તરણેતરમાં બિરાજમાન ‘ત્રિનેત્રેશ્વર મહાદેવ’, મંદિરનું મહાભારત સાથે કનેક્શન
વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાના સત્તરમા દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે સુરેન્દ્રનગરમાં. સુરેન્દ્રનગરના તરણેતરમાં આવેલું છે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મહાભારતકાલીન શિવાલય. આવો જાણીએ ત્રિનેત્રેશ્વર મહાદેવનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી અવનવી વાતો…
શું છે પૌરાણિક કથા?
ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર બે મંદિર આવેલા છે. તેમાંથી પહેલું મંદિર તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર અને બીજું હિમાલયના બદ્રીકાશ્રમ પાસે આવેલું ત્રિનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
ત્રિનેત્રેશ્વર મહાદેવ વિશે લોકવાયકા છે કે, અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠની સૂચનાથી યજ્ઞ કર્યો હતો. તેમના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. તેનું નામ નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદીર મંધાતાએ બંધાવ્યું હતું. આ ઉપરાંત મંદીર સાથે મહાભારતની એક કથા પણ જોડાયેલી છે.
મંદિરનું મહાભારત સાથે ખાસ કનેક્શન
મહાભારતકાળમાં દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર, દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવ્યા હતા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલો છે, તેમાં જ અર્જુને મત્સવેધ કર્યો હતો. આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રસંગ આ મંદિર સાથે જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો, તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શક્યતા છે. મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો દસમી સદીનું હોવાનું કહે છે. કારણ કે, પ્રતિહાર રાજાઓ શિવાલય બંધાવવાના શોખીન હતા. તેથી તેમણે આ મંદીરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય તેવી માન્યતા છે. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોવાના પ્રમાણ ઇતિહાસમાં મળે છે.
લખતરના રાજવીએ જીણોદ્ધાર કરાવ્યો હતો
હાલના મંદિરનો જીણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઇસ. 1902ના વર્ષના ઓગસ્ટ મહિનામાં કરાવ્યો હતો. તરણેતર અને થાન પંથકતે વખતે લખતર રાજની હકુમત નીચે હતા. પુત્રી કરણબાના સ્મરણાર્થે 50 હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય. મંદિરનો ઘાટ જૂનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડું દૂર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપવામાં આવી હતી.
મંદિરના ગર્ભગૃહમાં બે શિવલિંગ
તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે. તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની પ્રતિષ્ઠા કરણસિંહજીએ જીણોદ્ધાર કર્યો ત્યારે કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદ્ભુત શિલ્પ છે. તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકારમાં ગોઠવાયેલાં છે. કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદિરની ત્રણેય બાજુ ત્રિદેવના નામનાં કુંડ
મંદીરની ત્રણ બાજુ કુંડ આવેલો છે.તેને વિષ્ણુકુંડ, શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવોના નામ આપવામાં આવ્યા છે. મંદિરની ચારેતરફ ઉંચો ગઢ છે. એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં લેવામાં આવ્યા છે. એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે, પણ તેની કોતરણી અનુપમ છે. ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે, તેથી સુકી હવા અને પવનની થપાટો સામે સુરક્ષિત રહી શકે. મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે. શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે. આમ રાજપૂતોની કીર્તિ અને ધર્મરક્ષકના દાયિત્વને ચરિતાર્થ કરતું આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાંનો મેળો પણ અદ્ભુત છે.
આ સ્થાન અમદાવાદથી 196 કિમી, રાજકોટથી 75 કિમી દૂર આવેલું છે. તરણેતરનો મેળો વિશ્વકક્ષાએ પ્રસિદ્ધ છે. ભાદરવા સુદ પાંચમે અહીં મોટો મેળો થાય છે. લાખો માણસો ભાગ લે છે. ઋષિપંચમીએ અહીં કુંડમાં સ્વયં ગંગાજી પ્રગટતા હોવાની માન્યતા છે. કહે છે કે, તે દિવસે કુંડનું પાણી સપાટી ઉપર આવે છે. અહીં સ્નાનનું અનેરું મહત્વ છે.
કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરથી સુરેન્દ્રનગર જવા માટે ખાનગી બસ કે સરકારી બસની સુવિધા છે. રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી સુરેન્દ્રનગર જઈ શકાય છે. સુરેન્દ્રનગરથી તરણેતર મંદિરે જવા માટે ટેક્સી કે રિક્ષાની સુવિધા મળી રહે છે.