December 24, 2024

મહિલા T20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં નહીં પણ આ દેશમાં યોજાશે, ICCની મોટી જાહેરાત

Icc Women T20 World Cup 2024: ICC મહિલા T20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં આયોજિત થવાનો છે. આ ટૂર્નામેન્ટ પહેલા બાંગ્લાદેશમાં રમાવાની હતી, પરંતુ ICCએ હવે મોટી જાહેરાત કરી છે અને ટૂર્નામેન્ટના સ્થળમાં મોટો ફેરફાર કર્યો છે. ICCએ તાજેતરમાં જાહેરાત કરી છે કે આગામી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 હવે બાંગ્લાદેશને બદલે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને બાંગ્લાદેશમાં ટૂર્નામેન્ટનું આયોજન શક્ય ન હતું જેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ ઈવેન્ટની યજમાનીનો અધિકાર જાળવી રાખશે અને ટુર્નામેન્ટ યુએઈમાં યોજાશે.

બાંગ્લાદેશે તૈયારીઓ કરી લીધી હતી
આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે પોતાના નિવેદનમાં કહ્યું કે તે નિરાશાજનક છે કે બાંગ્લાદેશ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકતું નથી, કારણ કે બીસીબીએ ઈવેન્ટ માટે તમામ જરૂરી તૈયારીઓ કરી લીધી હતી, પરંતુ, ભાગ લેનારી ઘણી ટીમોની સરકારોએ બાંગ્લાદેશ જવા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે આ શક્ય બન્યું ન હતું. જો કે, બીસીબીએ તેના હોસ્ટિંગ અધિકારો જાળવી રાખ્યા છે, અને ટુર્નામેન્ટ 3 થી 20 ઓક્ટોબર સુધી દુબઈ અને યુએઈના શારજાહમાં યોજાશે. આઈસીસીએ પણ આ ઈવેન્ટના આયોજનમાં શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના સહયોગ માટે આભાર માન્યો હતો અને ભવિષ્યમાં આ બંને દેશોમાં આઈસીસી ઈવેન્ટ્સનું આયોજન કરવાની આશા વ્યક્ત કરી હતી.

શા માટે UAE ને નવું સ્થળ બનાવવામાં આવ્યું?
યુએઈ તાજેતરના વર્ષોમાં ક્રિકેટનું મહત્વનું કેન્દ્ર બની ગયું છે. તેની પાસે વિશ્વ કક્ષાની સુવિધાઓ છે જે તેને આવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવા માટે સંપૂર્ણ રીતે ફિટ બનાવે છે. UAE એ ભૂતકાળમાં 2021માં ICC મેન્સ T20 વર્લ્ડ કપ સહિત અનેક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. એકંદરે, આ નિર્ણય મહિલા ક્રિકેટની આ મોટી ઇવેન્ટને સફળતાપૂર્વક આયોજિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. UAEમાં આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાથી ક્રિકેટની લોકપ્રિયતા તો વધશે જ પરંતુ ખેલાડીઓને સારી સુવિધા પણ મળશે.