December 17, 2024

કોડીનારના દેવળી ગામે યોજાઇ પરંપરાગત ‘અળિયું-કળિયું’ દોડ, 15 યુવાનોએ લીધો ભાગ

અરવિદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી(દેદાજીની) ગામે પરંપરાગત રીતે યોજાતી ખેડૂત યુવાનોની દોડ યોજાઈ હતી. આ દોડમાં 15 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. કડોદરા ગામથી દેવળી ગામ સુધી 2 કિલોમીટર ની આ દોડ યુવાનોએ 7 મિનિટમાં પુરી કરી હતી.

ગીર સોમનાથના દેવળી ગામે આજથી 200 વર્ષ પહેલાથી રક્ષાબંધન પર્વ પ્રસંગે યુવાનોની આ દોડ યોજાય છે. જેને ગામઠી ભાષામાં ‘અળિયું-કળિયું’ તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમ્યાન ખેડૂતો ખેતી કામમાંથી થોડી નિરાંત અનુભવતા હોય છે. સારો વરસાદ થયા બાદ ખેતરમાં પાક લહેરાતો હોય તે જોઈ ખેડૂત આનંદિત થઈ ઉઠે છે. તેની મહેનત રંગ લાવતી હોય તેવી અનુભૂતિ થાય છે. ખેતી કામમાંથી ખેડૂતને હળવાશ મળતા અને પાક પાણીનું ચિત્ર સારૂ દેખાતા ગ્રામીણ પ્રજા કોઈને કોઈ ઉત્સવ ઉજવીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. કોડીનારના દેવળી ગામમાં પણ પરંપરાગત રીતે 2 થી 4 કિલોમીટરની દોડનું આયોજન થાય છે. બાજુના ગામ કડોદરા થી દેવળી સુધીની દોડ યોજાય છે. આ દોડમાં દેવળી ગામના ખેડૂત યુવાનો ભાગ લે છે. એક થી ત્રણ નંબર આપવામાં આવે છે. પ્રથમ ક્રમે વિજેતાને પ્રતીકાત્મક રૂપે લાકડાનું હળ આપવામાં આવે છે. હળ એ બલરામજીનું શસ્ત્ર છે. અને ખેતીનું પ્રતીક છે. આ ઉપરાંત વિજેતાઓને મેડલ,શિલ્ડ અને રોકડ રકમ વડે સન્માનવામાં આવે છે.

કોડીનારના દેવળી ગામે રક્ષાબંધન પર્વને લઈ યોજાયેલી દોડમાં કુલ 15 જેટલા ખેડૂત પુત્રોએ ભાગ લીધો હતો. અંદાજે 2 કિલોમીટરની દોડને નિહાળવા સેંકડો લોકો રસ્તાની બંને બાજુ એકઠા થયા હતા. દરેક વ્યક્તિના ચહેરા પર અનેરો આનંદ જોવા મળી રહ્યો હતો. કડોદરા ગામેથી શરૂ થયેલી આ દોડ દેવળી ગામે પુરી થઈ હતી. ત્યારે લોકોની તાળીઓનો અવાજ અને ચિચિયારીએ વિજેતા સ્પર્ધકોને વધાવ્યા હતા. પ્રથમ ક્રમે વિશ્વસિંહ વિપુલભાઈ બારડ,દ્વિતીય ક્રમે ભવદીપસિંહ મોરી અને તૃતીય ક્રમે વેદાંતસિંહ બારડ વિજેતા થયા હતા. અત્રે ઉલ્લેખનીય રહેશે કે વિશ્વસિંહ અને વેદાંતસિંહ બંને સગા ભાઈઓ છે. ત્રણેય વિજેતાઓને હજારોની રોકડ રકમ તથા શિલ્ડ, ટીશર્ટ, મેડલ ગ્રામ પંચાયત તથા ગામના અગ્રણીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. તો પ્રથમ ક્રમાંકિત યુવાનને પ્રતીકાત્મક રૂપે લાકડા નું હળ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માં વિજેતા બનવા માટે પાછલા કેટલાય દિવસોથી ખેડૂત યુવાનો તૈયારી કરતા હોય છે. સખત મહેનત બાદ આ સ્પર્ધામાં વિજેતા બની શકાય છે.