September 20, 2024

ઉનાના ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં થઈ અનોખી રીતે રક્ષાબંધનની ઉજવણી

ધર્મેશ જેઠવા, ઉના: ગીર સોમનાથ જિલ્લાના ઉનાના દેલવાડા ગામ નજીક આવેલ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ છેલ્લા 15 વર્ષથી ચાલી રહ્યું છે આ વૃદ્ધાશ્રમમાં 30 મહિલાઓ અને 30 પુરુષો મળી કુલ 60 લોકો રહે છે જેમણે આજે પવિત્ર રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરી હતી.

આ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમ ઉના થી આઠ કિમી દૂર આવેલું છે જેમાં આજે વૃદ્ધોએ રક્ષાબંધનની ઉજવણી કરી હતી બહેન ભાઈની ઘરે જઈ રક્ષા કરવા રાખડી બાંધી રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવે છે ત્યારે પરિવારથી વિખુટા પડેલા અને જીવનનો અંતિમ સમય વિતાવી રહેલા વૃદ્ધાશ્રમ ના વડીલોએ પણ રક્ષાબંધનના પર્વને હરખભેર મનાવ્યો હતો.

આ ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં રહેતા પરિવારથી અલગ થઈ રહેતા વૃદ્ધ મહિલા અને પુરુષો વૃદ્ધાશ્રમમાં રહીને પરંપરાગત તહેવારોની ઉજવણી કરતા હોય છે ત્યારે ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં છેલ્લા ઘણા વર્ષોથી અહીં પોતાનું જીવન વિતાવી રહેલા વૃદ્ધોએ રક્ષાબંધનનો પર્વ હરખભેર મનાવ્યો હતો રક્ષાબંધનના આ પર્વ નિમિત્તે વૃદ્ધ મહિલાઓએ વૃદ્ધ પુરુષોને રાખડી બાંધી આજના આ દિવસની ઉજવણી કરી હતી તેમજ પરિવારમાંથી ઘણી બહેનો પણ ભાઈને મળવા માટે રાખડી બાંધવા માટે આવતા હોય છે ત્યારે લાગણી ભર્યા દ્રશ્યો સર્જાતા હોય છે

રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનના પ્રેમનો પર્વ પરંતુ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો આ પર્વ દરમિયાન પોતાના સ્નેહીજનોને યાદ કરતા હોય છે ત્યારે આજે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ મહિલાઓ અને મહિલા પોલીસ સ્ટાફે વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને લલાટે કુમકુમ તિલક કરી રાખડી બાંધી મો મીઠું કરાવ્યું હતું.