September 20, 2024

સાયબર ક્રાઇમમાં ગેંગસ્ટરોની એન્ટ્રી, એકની ધરપકડ; રાજન પાશીની શોધખોળ ચાલુ

મિહિર સોની, અમદાવાદઃ સાયબર ક્રાઇમનો ગુનો આચરવા માટે સાયબર ક્રિમિનલ હવે ગેંગસ્ટરોની મદદ લેતા થયા છે. સાયબર ક્રાઇમે પકડેલા એક આરોપીની તપાસમાં કુખ્યાત ગેંગસ્ટર રાજન પાશીની સંડોવણી સામે આવી છે. જેને લઈ સાયબર ક્રાઇમે 26થી વધુ ગુના આચરનારા ગેંગસ્ટરની શોધખોળ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમની ગિરફ્તમાં રહેલા કાર્તિક સિંઘની 2.29 કરોડના સીમ સ્વેપિંગના ગુનામાં એકાઉન્ટ પૂરું પાડવામાં તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કાર્તિક સિંઘે આગાઉ આ ગુનામાં પકડાયેલા સૌરભ યાદવ પાસેથી ICIC બેંકનું એકાઉન્ટ મેળવ્યું હતું. આ એકાઉન્ટમાં કાર્તિકના મકાન વેચવાના રૂપિયા જમા થશે, તેમ જણાવીને આ કેસમાં ફરાર સોનું તથા ગેંગસ્ટર રાજન પાશી સાથે મળીને સીમ સ્વેપિંગના ગુના 30 લાખ રૂપિયા આ ખાતામાં જમા કરાવ્યા હતા. જેથી સાયબર ક્રાઈમે ગોવાથી સૌરભ યાદવની ધરપકડ બાદ કાર્તિક સિંઘને પણ ઝડપી પાડયો છે. તેની તપાસમાં ઉત્તર પ્રદેશની જેલમાંથી આખું કાવતરું રચાયું હોવાનું ખુલાસો થયો છે.

6 જુલાઈ 2022ના રોજ અમદાવાદના વેપારીએ સીમ સ્વેપ કર્યા બાદ 2.29 કરોડની ચિટીંગ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાવી હતી. જેની તપાસ કરતા છેતરપિંડીની રકમના 30 લાખ રૂપિયા આઝમગઢની icici બેંકમાં જમા થયા હતા. આ એકાઉન્ટની તપાસ કરતા સાયબર ક્રાઇમ સૌરભ યાદવ અને કાર્તિક સિંઘ સુધી પહોંચી પરંતુ તે બંનેની તપાસમાં ગેંગસ્ટર રાજન પાશીનું નામ સામે આવ્યું છે. તેથી સાયબર ક્રાઇમની તપાસનો દોર ગેંગસ્ટર સુધી પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશના ધારાસભ્યનો શાર્પ શૂટર રાજન પાશી વિરુદ્ધ અગાઉ હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, અપહરણ સહિતના ગંભીર 26 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. ત્યારે ચાઇનાથી ઓપરેટ થતા સાયબર ક્રાઇમના ગુનામાં તેની સંડોવણી ખૂલતા ગેંગસ્ટર રાજન દેશ છોડી ફરાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સાયબર ક્રાઇમની તપાસમાં એ હકીકત સામે આવી કે, ગુનામાં પકડાયેલા બન્ને આરોપી સૌરભ અને કાર્તિક વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની એક જ જેલમાં સજા ભોગવી રહ્યા હતા. તે સમયે બન્ને વચ્ચે થયેલી મિત્રતા બાદ તેઓ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા છે. જો કે, કુખ્યાત ગેંગસ્ટરની આવા ગુનામાં અચાનક એન્ટ્રી થતા સાયબર ક્રાઇમે ઉત્તર પ્રદેશની STF સહિત અન્ય રાજ્યોની પોલીસ સાથે કેન્દ્રીય એજન્સીઓને વિગત મોકલી છે. જેથી આવા ગુનાઓ અટકાવી શકાય તથા આવા આરોપીની કેન્દ્રીય એજન્સી તપાસ કરી ધરપકડ કરવામાં મદદ મળી રહે.