December 23, 2024

છોકરા-છોકરીઓ વધારે વાત કરે એટલે થાય છે દુષ્કર્મ, મમતા બેનર્જીનું જૂનું નિવેદન થયું વાયરલ

Kolkata: કોલકાતામાં ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં ગુસ્સાનું વાતાવરણ છે. વિરોધ પ્રદર્શનો સતત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આનો વ્યાપક વિરોધ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની માત્ર ટીકા જ નથી થઈ રહી પરંતુ તેમનું એક જૂનું નિવેદન પણ વાયરલ થઈ રહ્યું છે. 2012માં આપેલા એક નિવેદનમાં તેમણે દુષ્કર્મના કેસમાં વધારો થવા પાછળ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે વધતા સંપર્કને જવાબદાર ગણાવ્યો હતો.

મમતાએ કહ્યું હતું કે, “બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે કારણ કે હવે છોકરાઓ અને છોકરીઓ વધુ ખુલ્લેઆમ વાત કરે છે. પહેલા જો સ્ત્રી-પુરુષ હાથ પકડે તો તેમને પકડી લેવામાં આવતા હતા અને માતા-પિતા તેમને ઠપકો આપતા હતા. પરંતુ હવે બધું જ ખુલ્લેઆમ થઈ ગયું છે. આ ખુલ્લા બજારની જેમ છે જેમા ખુલ્લા વિકલ્પ છે. આ નિવેદનથી લોકોમાં ફરી રોષ ભભૂકી ઉઠ્યો છે.

2012માં કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં ચાલતી કારમાં થયેલા ગેંગ રેપ કેસ પર પ્રતિક્રિયા આપતા તેમણે આ નિવેદન આપ્યું હતું. તેમણે તેને બનાવટી ઘટના ગણાવી હતી જેનો હેતુ સરકારને શરમાવાનો હતો.

આ પહેલો કિસ્સો નથી જ્યારે નેતાઓએ દુષ્કર્મ જેવા મામલામાં શરમજનક નિવેદનો આપ્યા હોય. તાજેતરમાં, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક સગીર સાથે સામૂહિક દુષ્કર્મના કેસમાં સપાના નેતા મોઇદ ખાનનું નામ સામે આવતાં રાજકારણ ગરમાયું હતું. રાજધાની લખનૌમાં કેટલાક પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને મુલાયમ સિંહ યાદવના તે નિવેદનની યાદ અપાવી હતી જેમાં તેમણે એકવાર કહ્યું હતું કે, ‘તેઓ છોકરાઓ છે, છોકરાઓ ભૂલો કરે છે.’

આ પણ વાંચો: 7 દિવસ સુધી આર જી કર કોલેજ નજીક કોઈ નહીં કરી શકે પ્રદર્શન, કલમ 163 કરાઈ લાગુ

રેપ કેસના આરોપી મોઇદ ખાનને બચાવવા માટે ભાજપે સપાને ઘેરી હતી. દુષ્કર્મના આરોપીના ડીએનએ ટેસ્ટ અંગે અખિલેશ યાદવના નિવેદન પર ભાજપના ઉપાધ્યક્ષ (અવધ) શ્વેતા સિંહે મુલાયમ સિંહના નિવેદનની યાદ અપાવતું હોર્ડિંગ લગાવ્યું હતું, જેમાં લખ્યું હતું ‘મુઈદ હૈ ગલતી હો જાતી હૈ?’

તમને જણાવી દઈએ કે વિધાનસભામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે મોઈદ ખાન સમાજવાદી પાર્ટીનો સભ્ય છે અને ફૈઝાબાદના સપા સાંસદ અવધેશ પ્રસાદની ટીમનો ભાગ છે.