December 26, 2024

મંદીમાંથી મુક્તિ માટે બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા દાદાના ધામ સુધીની પદયાત્રા

બોટાદ: બોટાદનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો માર સહન કરી રહ્યો છે. ત્યારે હવે, બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન હીરા ઉદ્યોગમાં મંદી દૂર કરવા હનુમાનજી દાદાના ચરણોમાં પહોંચ્યા છે. એસોસિએશનના સભ્યોએ દાદાને પ્રાર્થના કરી ધજા ચઢાવી મંદીમાંથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી હતી. હીરા કારખાનાના માલિકો, હીરાના વેપારી, રત્નકલાકાર તેમજ હીરાના દલાલભાઈઓ સહિત મોટી સંખ્યામાં લોકો બોટાદથી ડીજેના તાલ સાથે સાળંગપુર પહોંચ્યા હતા.

બોટાદ જિલ્લામાં મુખ્યત્વે લોકો ખેતી અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. બોટાદ જિલ્લામાં આશરે નાના-મોટા થઈને 1200થી 1500 જેટલા હીરાના કારખાના આવેલા છે. જેમાં, આશરે 70 હજાર જેટલા લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે, છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગમાં સતત મંદીના કારણે દિવસેને દિવસે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે, આજે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશનના નેતૃત્વમાં બોટાદથી સાળંગપુર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હીરાના વેપારીઓ, કારખાનાના માલિકો, રત્ન કલાકારો તેમજ હીરાની લે-વેચ કરનાર દલાલભાઈઓ સહિત મોટી સંખ્યામાં જોડાયા હતા.

તમામ લોકો હીરા બજાર ખાતે એકત્રિત થઈ અને ડીજેના તાલ સાથે બોટાદથી સાળંગપુર સુધીની પદયાત્રા કરી હતી. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને ધજા ચડાવી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ હાજર લોકો દ્વારા હનુમાનજી દાદાને પ્રાર્થના કરી હીરા ઉદ્યોગમાં સતત ચાલતી આ મંદીમાંથી મુક્તિ મળી તેવી પ્રાર્થના કરી હતી. કારણ કે, બોટાદ જિલ્લામાં મુખ્યત્વે હીરા અને ખેતી સાથે લોકો જોડાયેલા છે ત્યારે ચાલુ વર્ષે બોટાદ જિલ્લામાં વરસાદ પણ ખૂબ ઓછો પડેલ છે. ત્યારે, ખેતીના વ્યવસાયમાં પણ જો સારો વરસાદ ન થાય તો અપેક્ષા મુજબનું ખેડૂતો ઉત્પાદન મેળવી શકશે નહીં. ત્યારે, મુખ્યત્વે બંને ધંધામાં હાલ મુશ્કેલી હોય જો આ પરિસ્થિતિ નહીં બદલાય તો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા અનેક લોકો અન્ય વ્યવસાય સાથે જોડાશે અથવા તો હિજરત કરવી પડે તે પ્રમાણેની સ્થિતિ હોવાનું બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ શંકર ધોળુ દ્વારા જણાવવામાં આવેલ છે.