January 5, 2025

ગ્લોબલ સાઉથ સમિટમાં બોલ્યા વડાપ્રધાન મોદી, ઉઠાવ્યા આ મુદ્દાઓ

Global South Summit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં 17 ઓગસ્ટના રોજ યોજાઇ રહેલી ત્રીજી ગ્લોબલ સાઉથ સમિટમાં બાંગ્લાદેશના વચગાળાના પ્રધાનમંત્રી મોહમ્મદ યુનુસે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ હતી. બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ આ પહેલીવાર બની રહ્યું છે કે જ્યારે ભારત અને બાંગ્લાદેશ બંને દેશોના સર્વોચ્ચ નેતાઓ એક મંચ પર સાથે આવી રહ્યા છે.

ભારતે જ્યારે G20ની અધ્યક્ષતા કરી હતી ત્યારે તેણે વિશ્વના વિકાસશીલ દેશોના અવાજને મજબૂત કરવા માટે ગ્લોબલ સાઉથ સમિટની શરૂઆત કરી. ભારતે સપ્ટેમ્બર 2023માં યોજાયેલી G20 સમિટમાં ગ્લોબલ સાઉથ તરીકે ઓળખાતા પછાત અને વિકાસશીલ દેશોનો અવાજ પણ મજબૂત રીતે ઉઠાવ્યો હતો. ભારતના નેતૃત્વમાં આ વર્ચ્યુઅલ સમિટ ત્રીજી વખત આયોજિત કરવામાં આવી રહી છે જેમાં 100 થી વધુ દેશોના પ્રમુખો ભાગ લઈ રહ્યા છે.

PM મોદીએ કર્યું સમિટમાં સંબોધન
ગ્લોબલ સાઉથ સમિટને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આ એક એવું મંચ બની ગયું છે જ્યાં અમે વિકાસ સાથે જોડાયેલી સમસ્યાઓ અને પ્રાથમિકતાઓની ખુલીને ચર્ચા કરી. તેમણે કહ્યું કે ભારતે ગ્લોબલ સાઉથની આશાઓ, અપેક્ષાઓ અને પ્રાથમિકતાઓના આધારે G-20 એજન્ડા તૈયાર કર્યો છે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું, “જ્યારે ભારતે G-20ની અધ્યક્ષતા સંભાળી ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે અમે G-20ને નવું સ્વરૂપ નવો આકાર આપીશું.” પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “અમે એવા સમયે મળી રહ્યા છીએ જ્યારે વિશ્વ અનિશ્ચિતતામાં જીવી રહી છે. યુદ્ધ જેવી સ્થિતિઓએ આપણી વિકાસ યાત્રામાં પડકારો વધારી દીધા છે, આપણે ખોરાક અને ઉર્જા અંગે પણ ચિંતિત છીએ આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ આપણા સમાજ માટે ગંભીર ખતરો છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે આ એ સમય છે જ્યારે ગ્લોબલ સાઉથના દેશોએ એક થઈને એકબીજાની શક્તિ બનવું જોઈએ. આપણે એકબીજાના અનુભવોથી શીખવાની અને એકબીજાની ક્ષમતાઓને શેર કરવાની જરૂર છે. ભારત ગ્લોબલ સાઉથ સાથે સહયોગ કરવા અને તેના અનુભવો અને ક્ષમતાઓ શેર કરવા માટે પ્રતિબદ્ધ છે. આપણે વેપાર, સમાવેશી વિકાસ, SDGની પ્રગતિ અને મહિલાઓના નેતૃત્વવાળા વિકાસને પ્રોત્સાહન આપવા માંગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે સ્વાસ્થ્ય સુરક્ષા અંગે તેમનું મિશન ‘એક વિશ્વ, એક સ્વાસ્થ્ય’ છે અને વિઝન ‘આરોગ્ય મૈત્રી’ છે, જેનો અર્થ ‘સ્વાસ્થ્ય માટે મિત્રતા’ છે. માનવતાવાદી કટોકટી દરમિયાન, ભારત તેના મિત્ર દેશોને મદદ સૌથી પહેલા કરે છે.