September 20, 2024

RG કર હોસ્પિટલમાં તે દિવસે શું થયું? CBIએ પૂર્વ પ્રિન્સિપાલને શું સવાલ પૂછ્યાં

કોલકાતાઃ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની શુક્રવારે સીબીઆઈ દ્વારા દોઢ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં 9 ઓગસ્ટના રોજ એક જુનિયર ડોક્ટરની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. કોલકાતા પોલીસે કેસને કેવી રીતે હેન્ડલ કર્યો તેના પર પ્રશ્નો ઉભા થયા બાદ સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી. ઘોષ બપોરે કોલકાતાના CGO કોમ્પ્લેક્સમાં CBI ઓફિસમાં પૂછપરછ માટે હાજર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘોષે પોતાની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેના કારણે સીબીઆઈ અધિકારીઓ તેમને એજન્સીના વાહનમાં તેમની ઓફિસ લઈ ગયા હતા.

સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને ઘટનાના દિવસની દિનચર્યા અને ઘટનાના બીજા દિવસની ઘટનાઓ સાથે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આટલું જ નહીં, ઘટના બાદ હોસ્પિટલ પ્રશાસન તરફથી મીડિયામાં જે નિવેદનો આવ્યા હતા. તે નિવેદનો કયા આધારે આપવામાં આવ્યા હતા, તેવા સવાલો પણ પૂછવામાં આવ્યા છે. મૃતક મહિલા ડોક્ટરના પરિવારે સીબીઆઈને શું કહ્યું છે કે, આ ઘટનામાં હોસ્પિટલની ભૂમિકા શંકાસ્પદ છે તે અંગેના પ્રશ્નો પૂર્વ પ્રિન્સિપાલ ઘોષને પણ પૂછવામાં આવ્યા છે.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂર્વ પ્રિન્સિપાલ ઘોષને પણ પૂછવામાં આવ્યું હતું કે, જ્યારે તેમને ઘટનાની માહિતી મળી ત્યારે તેમણે કોને ફોન કરીને ઘટનાની જાણકારી આપી હતી. અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ કેસની પ્રારંભિક તપાસ કરનાર કોલકાતા પોલીસ એસઆઈટીના બે સભ્યો અને હોસ્પિટલના ચાર ડોક્ટરોની પૂછપરછ કરી હતી. સીબીઆઈની 12 સભ્યોની વિશેષ ટીમ આ કેસની તપાસ કરી રહી છે.

નૈતિક આધાર પર પદ છોડ્યું
આ પહેલા સોમવારે સંદીપ ઘોષે નૈતિક આધાર પર આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપ્યું હતું. જો કે, થોડા કલાકોમાં પશ્ચિમ બંગાળ સરકારે તેમને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના (CNMCH) પ્રિન્સિપાલ તરીકે નિયુક્ત કર્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું અને તેમને કેમ્પસમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. ઘોષ ઓર્થોપેડિક પ્રોફેસર છે, જેમને 2021માં આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ બનાવવામાં આવ્યા હતા.