September 20, 2024

આશ્રમ રોડ ખાતે શહેર પોલીસ દ્વારા લોકદરબારનું આયોજન, 7 વ્યાજખોરો સામે ફરિયાદ

મિહિર સોની, અમદાવાદ: વ્યાજખોરો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. વ્યાજખોરનો ભોગ બનેલા અરજદારોની ફરિયાદને લઈને ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે, તેવામાં અમદાવાદના આશ્રમ રોડ પર દિનેશ હોલ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક દરબાર કાર્યક્રમમાં ઝોન 1 ડીસીપી વિસ્તારમાં આવતા ઘાટલોડિયા, સોલા, નારણપુરા, વાડજ, વસ્ત્રાપુર, નવરંગપુરા, ગુજરાત યુનિવર્સિટી અને સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારને લઈને લોક દરબારનું આયોજન કરાયું હતું. સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી લોન મેળો યોજાયો હતો.

કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા લોકોની રજૂઆતને આધારે વ્યાજખોરો વિરૂદ્ધ સાત જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે ઉપરાંત 241 જેટલા જરૂરિયાતમંદોને લોન પ્રોસેસ પૂર્ણ કરી 53,50,000 રૂપિયાની લોન મંજૂર કરી લોન સેક્શન લેટર આપવામાં આવ્યા હતા. બીજી તરફ વેન્ડર કાર્ડ ધરાવતા 750 જેટલા નાના ધંધાર્થીઓને લોન માટેની પ્રોસેસ પણ શરૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે જરૂરિયાતમંદ વ્યક્તિ પૈસા માટે વ્યાજખોરોની ચુંગાલમાં ન ફસાય અને જે ફસાયા હોય તેઓને બચાવી શકાય તેવા આશયથી લોકદરબાર યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર જી.એસ મલિક, મેયર પ્રતિભાબેન જૈન સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.