December 26, 2024

જાબાલી ઋષિની ઉત્કંઠાથી પ્રગટ થયા ‘ઉત્કંઠેશ્વર મહાદેવ’, શિવલિંગ પર ચડાવેલું જળ-દૂધ થઈ જાય છે ગાયબ!

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ માસના બારમા દિવસે શિવાલયયાત્રા ખેડા પહોંચી ગઈ છે. ખેડાના કપડવંજ ગામથી 17 કિલોમીટર દૂર વાત્રક નદીના કિનારે આવેલું છે 2000 વર્ષ કરતાં વધુ જૂનું શિવાલય. આવો જાણીએ ઉત્કંઠેશ્વર મહાદેવનો ઇતિહાસ…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, વાત્રક નદીના કિનારે જાબાલી ઋષિનો આશ્રમ હતો. ત્યારે ઋષિઓએ મહંતોને જમવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે જમતા પહેલાં ભગવાન શિવજીના દર્શન કરીને જ ભોજન ગ્રહણ કરશે તેવું જણાવ્યું હતું. ત્યારે ત્યાં આસપાસ કોઈ શિવાલય નહોતું. તેથી જાબાલી ઋષિએ તપ કરીને પોતાની ઉત્કંઠાથી મહાદેવનું આહ્વાન કર્યું.

જાબાલી ઋષિના આહ્વાનથી મહાદેવ પ્રગટ થાય છે અને સ્વયંભૂ શિવલિંગ તરીકે સ્થાપિત થાય છે. જાબાલી ઋષિની ઉત્કંઠાથી પ્રગટ થયા હોવાથી આ મહાદેવ ‘ઉત્કંઠેશ્વર મહાદેવ’ તરીકે ઓળખાય છે. વાત્રક નદીના કિનારે આવેલા આ શિવાલયમાં શિવલિંગ જમીનમાં છે. અહીં ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે. પરંતુ શિવલિંગ પર ચડાવેલું જળ અને દૂધ ક્યાં જાય છે તે આજ દિવસ સુધી કોઈ જાણી શક્યું નથી.

કેવી રીતે પહોંચવું?
ગુજરાતના દરેક શહેરમાંથી કપડવંજ જવા માટે બસની સુવિધા મળી રહે છે. આ ઉપરાંત રેલ માર્ગથી પણ ગુજરાતના શહેરો સાથે કપડવંજ જોડાયેલું છે. કપડવંજ પહોંચ્યા પછી ત્યાંથી રિક્ષા કે ટેક્સી દ્વારા ઉત્કંઠેશ્વર મહાદેવ પહોંચી શકાય છે.