November 25, 2024

દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે રેડ ક્રોસ દ્વારા પ્રાથમિક સારવાર તાલીમ, બ્રેઇલ લિપિમાં માર્ગદર્શિકા બહાર પાડી

અમદાવાદઃ ગુજરાતમાં સૌપ્રથમવાર દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા મારફત પ્રાથમિક સારવાર તાલીમની બ્રેઈલ લિપિમાં માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. તેનાથી દ્રષ્ટિ દિવ્યાંગજનોને તાલીમ મળી રહે અને વધુ અભ્યાસ કરી શકે છે. રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે માર્ગદર્શિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ગુજરાત રેડ ક્રોસ દ્વારા દરેક વર્ગના લોકો માટે અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે રેડ ક્રોસ દ્વારા દ્રષ્ટિ દિવ્યાંગજનોની કુશળતામાં વધારો થાય અને અમૂલ્ય માનવજીવન બચાવવા માટેની કુશળતા પ્રાપ્ત કરવા માટે પ્રાથમિક સારવારની માર્ગદર્શિકા 15મી ઓગસ્ટ નિમિત્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા અંધજન મંડળના 30 દ્રષ્ટિ દિવ્યાંગજનો માટે સર્ટીફિકેટ તાલીમ યોજાઈ છે. જેમાં દ્રષ્ટિ દિવ્યાંગજનોએ સીપીઆર, ચોકિંગ, રીકવરી પોઝીશન, અસ્થિભંગ, જેવા વિવિધ વિષયોની પ્રેક્ટિકલ તાલીમ મેળવી હતી.