December 24, 2024

સુરતઃ દેવું વધતા રત્નકલાકારોએ લૂંટ મચાવી, 4ની ધરપકડ

મિત રુપાપરા, સુરતઃ શહેરને ડાયમંડ સિટી તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. પરંતુ આ ડાયમંડ સિટીની ચમક છેલ્લા બે વર્ષથી ઝાંખી પડી છે. ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે અને તેના જ કારણે રત્નકલાકારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે મંદીના કારણે રત્નકલાકારો ક્રાઇમ તરફ આગળ વધતા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ત્રણ રત્નકલાકારોએ દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો અને બે કારીગરોને ચપ્પુ બતાવી ડરાવી ધમકાવી તેની પાસેથી 2 મોબાઇલ, 120 કેરેટનો ડાયમંડ સહિત કુલ 90 હજાર રૂપિયાની લૂંટ ચલાવી હતી. વરાછા પોલીસે એક જુવેનાઇલ સહિત 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતનો ડાયમંડ ઉદ્યોગ મંદિના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. મંદીમાંથી પસાર થઈ રહેલા ડાયમંડ ઉદ્યોગમાં રત્નકલાકારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ મંદીના કારણે માથા પર દેવું વધી જતા રત્નકલાકારો ક્રાઇમની દુનિયામાં પગ મુકતા હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટના સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સામે આવી છે કે, જ્યાં ત્રણ રત્નકલાકારોએ સાથે મળી ચપ્પુ બતાવી બે રત્ન કલાકારોને લૂંટી લીધા છે.

આ પણ વાંચોઃ આઝાદીનું ‘ગુજરાત’ કનેક્શન, બે દેશના રાષ્ટ્રપિતા ગુજરાતી! બંનેના ઘર વચ્ચે 100 કિમીનું અંતર

વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કૃણાલ ભુવા નામનો વ્યક્તિ હીરા મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે. તેની ઓફિસ સુરતના મીની બજાર વિસ્તારમાં ઠાકોર દ્વાર સોસાયટીમાં શ્રી હરિ બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે. કૃણાલ ભુવાની ઓફિસમાં 14 ઓગસ્ટ 2024ના રોજ રાત્રે પોણા એક વાગ્યા આસપાસ 20થી 25 વર્ષના ત્રણ ઈસમો ઘૂસી ગયા હતા. આ ત્રણેય ઈસમોએ સાથે મળીને કૃણાલ ભુવાની ઓફિસમાં ચપ્પુ બતાવીને 2 રત્ન કલાકારો સાથે લૂંટ ચલાવી હતી. કૃણાલ ભુવાના કારીગર હાર્દિક અને રૂપેશ રાત્રે ઓફિસમાં હતા તે સમયે આ ત્રણ લૂંટારો ઓફિસમાં ઘૂસ્યા હતા અને ચપ્પુ બતાવીને ઓફિસમાં રહેલો 80,000 રૂપિયાનો 120 કેરેટનો સિન્થેટિક ડાયમંડ તેમજ હાર્દિક ભુવા અને રૂપેશ બારૈયા પાસે રહેલો મોબાઈલ લુંટી લીધો હતો. આમ લૂંટારૂ હીરા અને બે મોબાઈલ સહિત 90,000ના મુદ્દામાલની લૂંટ કરીને ભાગી ગયા હતા.

આ સમગ્ર ઘટના બિલ્ડિંગ નીચે લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં આ ત્રણ લૂંટારૂમાંથી બે લૂંટારૂ મોઢા પર રૂમાલ બાંધ્યો છે અને એક લૂંટારો દ્વારા રૂમાલ બાંધવામાં આવ્યો નથી. આ ત્રણેય સાથે મળીને બિલ્ડિંગની દરવાજાની ગ્રીલ કૂદીને બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે અને ત્યારબાદ બનાવવાની જગ્યા પર પહોંચી રત્નકલાકારોને ડરાવી લૂંટ કરી ફરાર થઈ જાય છે. જો કે, આ સમગ્ર મામલે કૃણાલ ભુવાને માહિતી મળતા તેને વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવી હતી. વરાછા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી અને ગણતરીના સમયમાં આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ આ આંદોલનથી વલ્લભભાઈ પટેલ સ્વાતંત્ર્ય સેનાની બન્યા, ગાંધીજી સાથે કેવી હતી ‘સરદાર’ની પહેલી મુલાકાત?

વરાછા પોલીસ દ્વારા ત્રણ આરોપી અને એક જુવેનાઇલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હિતેશ ભુવાના ભાઈ કે જે આ જગ્યા પર કામ કરતો હતો તેને આ જગ્યા પર લૂંટ કરવાની માહિતી આપી હતી. ત્યારબાદ હિતેશ ભુવા, જયદીપ કલગોતર તેમજ સુરેશ ગોહિત દ્વારા આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે. આ ત્રણેય લૂંટારો પાસેથી વરાછા પોલીસ દ્વારા 80 હજાર રૂપિયાના ડાયમંડ અને બે મોબાઈલ સહિત 90,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પકડાયેલા સહિતના આરોપીઓ રત્નકલાકાર છે અને તેમને પૈસાની જરૂર હોવાના કારણે તેમને આ લૂંટ કરવાનું કામ હતું રચ્યું હતું. આર્થિક સંકળામણ દૂર કરવા માટે તેને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પરંતુ પોલીસે ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા.