September 20, 2024

ટ્રાફિક વિભાગે HCમાં રિપોર્ટ રજૂ કર્યો, ગુજરાતીઓએ અધધધ રૂપિયાનો દંડ ભર્યો!

અમદાવાદઃ રાજ્યમાં ટ્રાફિક સહિતના મામલાને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં બેફામ વાહનો ચાલી રહ્યા છે. સ્ટેટ ટ્રાફિક વિભાગે છેલ્લા 3 વર્ષમાં કરેલી કામગીરીનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કર્યો છે.

આ રિપોર્ટમાં સંખ્યા કરતાં વધુ મુસાફર, પ્રતિબંધ બાદ પણ ભારે વાહનોની અવરજવર સામે કાર્યવાહી કર્યા અંગેની માહિતી રજૂ કરવામાં આવી છે. આ સિવાય વીમા વગરના વાહનો, ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કાર અને અન્ય પેસેન્જર વાહનો સામે કાર્યવાહી કરી હોવાની માહિતી આપી છે. સ્ટેટ ટ્રાફિક વિભાગે કરેલી કાર્યવાહીમાં અધધધ દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ આ આંદોલનથી વલ્લભભાઈ પટેલ સ્વાતંત્ર્ય સેનાની બન્યા, ગાંધીજી સાથે કેવી હતી ‘સરદાર’ની પહેલી મુલાકાત?

ક્ષમતા કરતાં વધુ મુસાફર અથવા મંજૂરી વગર ચાલતા વાહનો સામે છેલ્લા 3 વર્ષમાં 17,914 કેસ કરી 16.53 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યારે વીમા વગરના વાહનચાલકો પાસેથી 3 વર્ષમાં 61,992 કેસ કરી 13 કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો છે. ઓવરલોડિંગ બદલ 3 વર્ષમાં 1,04,931 કેસ કરી 1.27 કરોડ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય ગુનાઓ બદલ 3 વર્ષમાં 7,88,701 કેસ કરી 2.60 કરોડ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.

આ પણ વાંચોઃ આઝાદીનું ‘ગુજરાત’ કનેક્શન, બે દેશના રાષ્ટ્રપિતા ગુજરાતી! બંનેના ઘર વચ્ચે 100 કિમીનું અંતર

છેલ્લા 3 વર્ષમાં ઓવર સ્પીડિંગ બદલ ગુજરાતીઓએ 14.58 કરોડ રૂપિયા દંડ ચૂકવ્યો છે. તેમાં 72,228 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 68 લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. તેમાં 8104 લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 1152 લાયસન્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે. અધિકૃત સંખ્યાથી વધુ મુસાફરોની સવારી બદલ વર્ષ 2024માં કુલ 1,54,780 કેસ નોંધાયા છે.

રાજ્યમાં અધિકૃત સંખ્યાથી વધુ મુસાફરોની સવારી બદલ વર્ષ 2021થી 2024 દરમિયાન કુલ 12,35,666 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021થી 2024 સુધીમાં કુલ 28,450 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં વર્ષ 2021થી 2024 સુધીમાં કુલ 3,77,478 કેસ તો સુરત શહેરમાં વર્ષ 2021થી વર્ષ 2024 સુધીમાં કુલ 5,00,499 કેસ નોંધાયા છે. રાજકોટ શહેરમાં વર્ષ 2021થી 2024 સુધીમાં કુલ 12905 કેસ, ગાંધીનગરમાં વર્ષ 2021થી 2024 સુધીમાં કુલ 13334 કેસ નોંધાયા છે.