December 27, 2024

EDને મળ્યા નવા ડાયરેક્ટર, કેન્દ્ર સરકારે આ અધિકારીને કર્યા નિયુક્ત

Rahul Navin Appointed: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને તેના કાયમી ડિરેક્ટર મળી ગયા છે. કેન્દ્ર સરકારે IRS રાહુલ નવીનને EDના નવા ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ પહેલા સરકારે રાહુલ નવીનને EDના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવ્યા હતા.

2 વર્ષ માટે ચાર્જ મેળવ્યો
કેન્દ્રીય કર્મચારી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, કેબિનેટની નિમણૂક સમિતિએ EDના સ્પેશિયલ ડાયરેક્ટર એવા IRS રાહુલ નવીનને EDના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે રાહુલ નવીનને ચાર્જ સંભાળ્યાની તારીખથી બે વર્ષના સમયગાળા માટે ED ડિરેક્ટરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાહુલ નવીન ભારતીય મહેસૂલ સેવા (ઇન્કમ ટેક્સ)ના 1993 બેચના અધિકારી છે. ગયા વર્ષે 15 સપ્ટેમ્બરે સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થયા બાદ, તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટનું કાર્ય નિયામક પ્રભારી તરીકે સંભાળ્યું હતું. આ પછી, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં, કેન્દ્રએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના કાર્યકારી વડા, રાહુલ નવીનને એડિશનલ સેક્રેટરીના સ્તરે બઢતી આપી હતી. હવે તેમને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.