September 20, 2024

‘લાલબત્તી’ને લઈને હાઇકોર્ટ લાલઘૂમ, 7 દિવસમાં બત્તી-સાયરન ઉતારો નહીં તો…

ગાંધીનગરઃ હાઇકોર્ટે લાલબત્તી અને VIP ચલણનાં અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. લાલબત્તી અને સાયરનને લઈને હાઇકોર્ટે નોટિસ પાઠવી સરકાર પાસે જવાબ માગ્યો છે.

મળતી માહિતી પ્રમાણે, કલેકટર, SDM, સચિવો અને પદાધિકારીઓ કેન્દ્રના કાયદા બાદ પણ થ્રેસર લાઇટ અને સાયરનનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ મળી છે. ત્યારે 2014માં ગુજરાત હાઇકોર્ટે પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તથા ઇમરજન્સી સિવાયના લોકો અને વિભાગો પર બત્તી અને સાયરનનાં ઉપયોગ સામે રોક લગાવી હતી.

રાજ્યમાં સતત કોર્ટના હુકમનું પાલન ન થતું હોવાની ફરિયાદ સાથે નોટિસ મોકલવામાં આવી હતી. હાઇકોર્ટે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોને નોટિસ પાઠવી જવાબ માગ્યો હતો. પ્રિન્સિપાલ સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ વિભાગ, ગૃહ વિભાગને કાયદાની અમલવારી અંગે નોટિસ મોકલવામાં આવી છે.

નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, 7 દિવસમાં અધિકારીઓ થ્રેસર લાઇટ અને સાયરન દૂર નહીં કરે તો કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોર્ટના હુકમના તિરસ્કાર અંગેની કાર્યવાહી માટે નોટિસ જાહેર કરવામાં આવી છે.