December 24, 2024

‘સિટી ઓફ લવ’ પેરિસમાં મેડલ જીતીને સૌથી વધુ ખેલાડીઓ દિલ હારી ગયા

Most Marriage Proposals at an Olympic: પેરિસ ઓલિમ્પિક 2024માં લગ્ન પ્રસ્તાવનો અનોખો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. સિટી ઑફ લવ પેરિસમાં દિલ હારનારા ખેલાડીઓની સંખ્યા એક પણ ઓલિમ્પિકમાં ક્યારેય જોવા મળી નથી. તાજેતરમાં ઓલિમ્પિકનું સમાપન થયું છે.

પેરિસ ઓલિમ્પિક્સ 2024 તાજેતરમાં પૂર્ણ થયું છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં આયોજિત ઓલિમ્પિકમાં દુનિયાભરના ખેલાડીઓએ પોતાની તાકાત બતાવી હતી. જો કે ઘણા એવા ખેલાડીઓ હતા જેઓ માત્ર મેડલ જીતવા માટે જ નહી પરંતુ દિલ હારીને પણ ચર્ચામાં આવ્યા હતા. પેરિસને પ્રેમનું શહેર કહેવામાં આવે છે. અહીં કપલ પોતાના પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં ઓલિમ્પિકમાં ભાગ લેનાર ખેલાડીઓ પણ પાછળ ન રહ્યા અને એક અનોખો રેકોર્ડ સર્જાયો. એક રિપોર્ટ અનુસાર, પેરિસમાં કુલ 11 ખેલાડીઓએ લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પહેલા ક્યારેય ઓલિમ્પિકમાં આટલા ખેલાડીઓએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ન હતો.

પેરિસ ઓલિમ્પિક 2024એ ઘણા રેકોર્ડ તોડ્યા
પેરિસ ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીના પ્રમુખ ટોની એસ્ટાનગુએટે સમાપન સમારોહમાં કહ્યું. રેકોર્ડ વ્યુઅરશિપ, રેકોર્ડ હાજરી, રેકોર્ડ ડેસિબલ લેવલ અહીં જોવા મળ્યું હતું. અને હા પેરિસમાં અમે એક નવો રેકોર્ડ તોડ્યો છે જે અમારા દિલની ખૂબ નજીક છે. ઓલિમ્પિક ગેમ્સમાં અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યામાં લગ્ન પ્રસ્તાવ. આશા, પ્રેરણા અને પ્રેમની આ લાગણીઓ હંમેશા રહેશે.” આવો અમે તમને પેરિસ ઓલિમ્પિકમાં લગ્ન માટે પ્રસ્તાવ મૂકનાર કેટલાક એથ્લેટ્સ વિશે જણાવીએ.

ચીની બેડમિન્ટન સ્ટાર હુઆંગ યાકિયોંગ અત્યંત આશ્ચર્યચકિત થઈ ગઈ જ્યારે તેના બોયફ્રેન્ડ લિયુ યુચેને ગોલ્ડ મેડલ જીત્યા બાદ તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું. યુચેને ક્વિઓંગ તરફ સગાઈની વીંટી રજૂ કરતાં જ તેની ખુશી જોવા જેવી હતી. યુચેન બેડમિન્ટન ખેલાડી પણ છે. યાકિયોંગે ઝેંગ સી વેઈ સાથે મિક્સ્ડ ડબલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. ત્યાં જ ફ્રેન્ચ દોડવીર એલિસ ફિનોટે મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેઝ ફાઇનલમાં યુરોપિયન રેકોર્ડ તોડવા માટે જ નહીં પરંતુ તેના લગ્નના પ્રસ્તાવ માટે પણ હેડલાઇન્સ બનાવી હતી. પ્રભાવશાળી પ્રદર્શન પછી ફિનોટ સ્ટેન્ડ તરફ દોડી અને એક ઘૂંટણિયે પડી અને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું.

અમેરિકન મહિલા રગ્બી સેવન્સ પ્લેયર એલેવ કેલ્ટરે બ્રોન્ઝ જીત્યા પછી તરત જ તેના સાથી રગ્બી સેવન્સ પ્લેયર કેથરિન ટ્રેડરને પ્રપોઝ કર્યું. આ પ્રસ્તાવે તેની સિદ્ધિમાં ખુશીની ક્ષણ ઉમેરી. ઇટાલિયન જિમ્નાસ્ટ એલેસિયા મોરેલીને તેના પાર્ટનર માસિમો બર્ટેલોનીએ પ્રપોઝ કર્યું હતું. મૌરેલીએ ગ્રુપ ઓલ-અરાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. બંને બે વર્ષથી વધુ સમયથી સાથે છે. અમેરિકાના જસ્ટિન બેસ્ટે તેની ગર્લફ્રેન્ડ લાની ડંકનને એફિલ ટાવરની સામે પ્રપોઝ કર્યું હતું. જસ્ટિને રોઈંગમાં ગોલ્ડ જીત્યો હતો. અમેરિકન શોટપુટ પ્લેયર પેટન ઓટરડાહલે પણ ગર્લફ્રેન્ડ મેડી નાઇલ્સને એફિલ ટાવર ખાતે સગાઈની વીંટી આપી હતી.