December 19, 2024

સુરતમાં નકલી આરસી બુકના કૌભાંડનો પર્દાફાશ, પાંચ આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી આરસી બુકના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરટીઓ એજન્ટ આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાંથી જૂની આરસીબુક ચોરી લાવતો હતો અને ત્યારબાદ એક ઈસમ તેના પર પેટ્રોલથી લખાણ ભુસી નવું લખાણ કરી અન્ય વાહનચાલકોને આ નકલી આરતી બુક બતાવી જૂનું વાહન કે જે સીઝરો દ્વારા સિઝ કરવામાં આવ્યું હોય તે બેંકમાં જમા કરાવવાના બદલે વાહન લે-વેચ કરતા ઇસમને આ વાહન આપી નકલી આરસીબુકના આધારે વાહન ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા કરી વાહનચાલકની જાણ વગર જ આ વાહન બારોબાર વેચી દઈ આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હતું. અત્યાર સુધી આરોપીઓએ સાથે મળીને 200 જેટલા વાહનોનું વેચાણ કર્યું છે અને આ સમગ્ર મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નકલી RC બુકના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કતારગામ વિસ્તારમાં ડભોલી ગામ સર્જન વાટીકામાં એક મકાનમાં રેડ કરવામાં આવી ત્યારે અધિકારી પણ ચોંકી ગયા હતા. કારણ કે, આ મકાનની અંદર નકલી RC બુક બનાવવાનું કામ ચાલતું હતું. અંકિત વઘાસિયા નામનો ઇસમ ઘરમાં જ RTO કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી વગર RC બુક પર લોકોના નામ પ્રિન્ટરની મદદથી પ્રિન્ટ કરવાનું કામ કરતો હતો. અંકિતના ઘરેથી 270 જેટલી RC બુકના કાર્ડ, કોમ્પ્યુટર તેમજ પ્રિન્ટર સહિત 92,610 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા આ બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, અંકિતને આ RC બુક જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ નામનો વ્યક્તિ આપતો હતો અને આ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પટેલ છેલ્લા 30 વર્ષથી સુરત RTO કચેરીમાં એજન્ટ તરીકે કામ કરે છે અને તે અવારનવાર સુરતના પાલ વિસ્તારમાં આવેલી RTO કચેરીમાં જતો હતો. આ જીતુ RTOના કોઈ અધિકારીની મદદથી રેકોર્ડરૂમ સુધી પહોંચી જતો હતો અને રેકોર્ડ રૂમમાં વાહનચાલકોની જમા કરવામાં આવેલી સ્માર્ટકાર્ડવાળી જૂની RC બુકની ચોરી કરતો હતો અને ત્યારબાદ આ RC બુક અંકિતને આપતો હતો.

તો બીજી તરફ, આ કૌભાંડમાં વરાછા વિસ્તારમાં ઉમિયા માતા મંદિર પાસે યમુના એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ચલાવતા અશોક ઉર્ફે બાલો કાછડીયા તેમજ પર્વત પાટિયા નજીક એસવી એન્ટરપ્રાઇઝ નામની ઓફિસ ધરાવતા સતીશ જિલ્લા સહિતના લોકોની પણ ભૂમિકા સામે આવી છે. આ બંને અન્ય ફાયનાન્સ કંપનીના લોકો પાસેથી વાહન જપ્ત કરતા હતા. ત્યારબાદ તેને કંપનીમાં જમા કરાવવાના બદલે સુરતના મીની બજાર અંકુર ચોકડી પાસે આવેલી ગાયત્રી ઓટો નામની દુકાનમાં લઈ જવામાં આવતા હતા.

આ દુકાનમાં જુની ગાડીનું લે-વેચ કરતા સવજી ડાભી નામના વ્યક્તિ આ ગાડીઓને અન્ય ડીલર્સને બારોબાર વેચી દેતા હતા. જો કે, આ ગાડીઓની RC બુક ન હોવાથી તેઓ આ જીતુ પટેલને ગાડીનો રજિસ્ટર નંબર અને અન્ય જરૂરી વિગત આપતા હતા અને જીતુ પટેલ અંકિતની મદદથી એમ પરિવહન વેબસાઈટ પરથી જરૂરી પુરાવા મેળવીને આરટીઓમાંથી ચોરી કરવામાં આવેલી જૂની આરસીબુક પરનું નામ પેટ્રોલથી ભૂંસીને ઘરે રહેલા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી જૂની RC બુક પર નવા નામનું પ્રિન્ટિંગ કરતો હતો.

આ ઉપરાંત અંકિત વઘાસિયા નામનો ઇસમ જૂની આરતી બુક પર બોગસ નામ પ્રિન્ટિંગ કરતો હતો. તેનો સંપર્ક અન્ય આરટીઓ એજન્ટ નિમેશ ગાંધી સાથે થયો હતો અને તેને નિમેષ ગાંધીને જણાવ્યું હતું કે, પોતે સ્માર્ટ કાર્ડની નકલી RC બુક બનાવે છે અને ત્યારબાદ નિમેશ ગાંધી પણ આ નકલી આરસીબુક બનાવવા માંગતો હતો. તેના માટે અંકિતે તેને RC બુક લાવી આપવા માટે જણાવ્યું હતું. ત્યારે નિમેષ ગાંધીએ અન્ય કોઈપણ જગ્યા પરથી ઘણી બધી આવી જૂની RC બુક લઈને અંકિતને આપી હતી.

જ્યારે આ ઈસમોને પાલ આરટીઓ ખાતે તપાસ કરવા માટે લઈ જવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે, આ તમામ ઈસમો રેકોર્ડ રૂમમાંથી જ RC બુકની ચોરી કરતા હતા અને આ સમગ્ર મામલે RTO કચેરીના ક્લાર્ક દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એટલે કે પોલીસની તપાસ બાદ સામે આવ્યું હતું કે, આરટીઓ કચેરીમાંથી જ જૂની RC બુકની ચોરી થઈ રહી છે એટલે રેકોર્ડ રૂમ સુરક્ષિત નથી. ત્યારે આ બાબત આરટીઓ અધિકારી પર ઘણી શંકા ઉભી કરે છે. જે આરટીઓ અધિકારીના તાબા હેઠળ આવતા રેકોર્ડરૂમમાંથી જો આ પ્રકારે અગત્યના ડોક્યુમેન્ટની ચોરી થતી હોય તો સુરત આરટીઓમાં એજન્ટ રાજ હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી ભેગા મળીને લોનવાળી ગાડીના હપ્તા ન ભરાતા હોય તે લોકો પાસેથી વગર ઓથોરિટીએ બળજબરીપૂર્વક વાહન ચાલક પાસેથી વાહન જપ્ત કરી લેતા હતા. ત્યારબાદ આ વાહન કંપનીમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખતા હતા. પછી જે બેંકની સાથે વાહનની લોન ચાલતી હોય તે ફાઇનાન્સ કંપની સાથે સેટલમેન્ટ કરી ઓછા રૂપિયા ભરી NOC મેળવી લેતા હતા અને ગાડીના ગ્રાહકને વેચાણ માટે નકલી RC બુક બનાવવા માટે સુરત પાલ આરટીઓના રેકોર્ડરૂમમાંથી સ્માર્ટ કાર્ડવાળી જૂની RC બુકની ચોરી કરી તેના પરનું લખાણ ભૂંસી બીજું લખાણ પ્રિન્ટ કરાવી નકલી RC બુક બનાવી કોમ્પ્યુટરમાંથી ડેટા ડિલીટ કરી નાંખી તે વાહન RC બુક સાથે અન્ય વાહનચાલકને વેચી દેતા હતા. નકલી RC બુક અસલી હોવાનું કહીને નામ ટ્રાન્સફર કરાવવા માટે અન્ય જરૂરી તમામ કાગળ વાહનચાલક પાસેથી મેળવી લેતા હતા અને આરટીઓ કચેરીમાં આ વાહનનું નામ ટ્રાન્સફર કરાવી દઈ ઓરીજનલ RC બુક વાહનચાલકના ઘરે પહોંચતી કરતા હતા.

આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા RTO એજન્ટ જીતેન્દ્ર પટેલ, RC બુક બનાવી આપનાર અંકિત વઘાસિયા, વાહન લે-વેચ કરનારા સવજી ડાભી, વાહન સીઝ કરનારા અશોક ઉર્ફે બાલો કાછડીયા તેમજ સતીશ જિલ્લાની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરતા પોલીસે 370 સ્માર્ટ કાર્ડવાળી RC બુક, 1 કોમ્પ્યુટર, 1 સીપીયુ, 2 કીબોર્ડ, 1 પ્રિન્ટર, 3 કાર્ટિજ, 100 કોરા સ્માર્ટ કાર્ડનું બંડલ રબર સ્ટેમ્પ અને 2 મોબાઈલ સહિત કુલ 92,610નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીની ભૂમિકાની વાત કરવામાં આવે તો અંકિત વઘાસિયા નકલી આરસીબુક બનાવી આપતો હતો. જે એમ પરિવહન વેબસાઈટ પરથી વાહનના ડેટા મેળવી આરટીઓ એજન્ટ જીતેન્દ્ર જીતુ પટેલે આપેલા સ્માર્ટ કાર્ડ પરનું લખાણ પેટ્રોલથી ભૂંસીને કોમ્પ્યુટરથી નવું લખાણ આરસીબુક પર પ્રિન્ટ કરી દેતો હતો.

જીતેન્દ્ર પટેલની ભૂમિકાની વાત કરવામાં આવે તો તે આરટીઓ એજન્ટ છે અને પાલ આરટીઓમાં અવારનવાર જાય છે. તેને તક મળતા તે આરટીઓ કચેરીના રેકોર્ડ રૂમમાંથી આરસી બુકની ચોરી કરીને અંકિતને આરસીબુક આપતો હતો. નકલી આરસીબુક બન્યા બાદ તેને જૂની ગાડી લેૃ-વેચ કરનારા આરોપી સવજી ડાભીને આપવામાં આવતી હતી. ત્યારબાદ નામ ટ્રાન્સફર કરવા માટે આરટીઓ એજન્ટ તરીકે પોતાની પાસે રહેલી નકલી આરસી બુકવાળા ડોક્યુમેન્ટને લઇ આરટીઓ કચેરી ખાતે જતો હતો અને નામ ટ્રાન્સફર કરાવી લેતો હતો.

સવજી ડાભી કે, જે જૂની ગાડી લે-વેચનું કામ કરે છે, તે જુના વાહન ખરીદવા આવતા ગ્રાહકોને વાહન વહેંચવા સમયે નકલી RC બુક બતાવી તે અસલી હોવાનું કહી ગ્રાહકોને વિશ્વાસમાં લેતો હતો. ત્યારબાદ નામ ટ્રાન્સફર કરાવવા માટે જરૂરી દસ્તાવેજો લઇ આરટીઓ એજન્ટ મારફતે તેનું નામ ટ્રાન્સફર કરાવતો હતો. અશોક ઉર્ફે બાલો કાછડીયા અને સતીશ જિલ્લા વાહન સીઝરનું કામ કરતા હતા. બંને ઇસમો સાથે મળી વાહનચાલકોએ બેંકના હપ્તા બાઉન્સ કર્યા હોય, તેમની પાસેથી બળજબરીપૂર્વક વાહન રિકવર કરતા હતા અને વાહન બેંકમાં જમા કરાવવાના બદલે પોતાની પાસે રાખી જુની ગાડી લે-વેચ કરતા ડીલર સવજી ડાભીને આપતા હતા.