December 26, 2024

કુદરતી ગુફામાં બિરાજમાન છે ‘ઝરિયા મહાદેવ’, રહસ્યમય રીતે અવિરત ટપકે છે શિવલિંગ પર પાણી

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે વાત કરવી છે પાંચાળ ભૂમિમાં બિરાજમાન મહાદેવના અલૌકિક શિવાલય વિશે. શ્રાવણ મહિનાના આઠમા દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે ઝરિયા મહાદેવના મંદિરે. સુરેન્દ્રનગરના ચોટિલામાં આવેલું છે ઝરિયા મહાદેવનું શિવાલય. આવો જાણીએ તેની સાથે જોડાયેલી અવનવી વાતો અને તેનો ઇતિહાસ…

ચોટીલા પાસે આવેલા માંડલ વનમાં ઝરીયા મહાદેવનું શિવાલય આવેલું છે. આ શિવાલય એક ગુફામાં છે. જ્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં અવિરત ગુફાની ઉપરની દીવાલમાંથી ચોવીસ કલાક મીઠું પાણી ટપકે છે. કુદરતી રીતે જ શિવલિંગ પર અવિરત જળાભિષેક થતો રહે છે. આ પાણી ક્યાંથી આવે છે અને કેવી રીતે આવે છે તે અંગે હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.

ગુફામાં પથ્થરની એક મોટી શીલા નીચે સ્વયંભૂ મહાદેવ બિરાજમાન છે. શીલામાંથી ટપકતું પાણી આગળના એક કુંડમાં જમા થાય છે. જેને ભાવિકો પ્રસાદ તરીકે પીવે છે. ગુફામાં પ્રવેશતાની સાથે જાણે ઠંડુ બરફ જેવું વાતાવરણ અનુભવાય છે. ભરઉનાળે પણ આ જગ્યાએ આવી જ ઠંડક હોય છે અને શિવલિંગ પર પણ મેઘવર્ષાની જેમ પાણી ટપકતું રહે છે. ગુફાને અડીને વર્ષો જૂનો વડલો પણ છે. આ શિવલિંગનો પ્રાગટ્ય કેટલું જૂનું છે તે જાણી શકાયું નથી. વેરાન વગડામાં પણ દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે.

આ ઝરીયા મહાદેવના ગુફામાં આવેલા શિવાલય સામે એક બીજી ગુફા છે. આ અંધારી ગુફામાં મહાકાળી માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. શ્રાવણ માસમાં અસંખ્ય લોકો અહીં આવે છે. સૌરાષ્ટ્રના શહેરોના પર્યટકો અને છેક અમદાવાદ બાજુથી પણ શિવભકતો, શાળાઓના વિદ્યાર્થીઓ રમણીય સ્થળે પ્રવાસ માટે આવતાં હોય છે. ચોટીલા તાલુકાના અનેક પ્રાચીન રમણીય સ્થળોમાં આ ઝરીયા મહાદેવનું મંદિરનું પણ મહત્વ છે.

કહેવાય છે કે, મહાદેવ એકાંત પ્રિય છે. ભોળાનાથ હમેશા સ્મશાન કે વેરાન જગ્યાએ ધ્યાન મગ્ન રહેવાનું પસંદ કરે છે. આવી જ એક માંડવ વનમાં જગ્યા કે જ્યાં થાય છે સ્વયંભૂ શિવલિંગ પર બારેમાસ અવિરત જળાભિષેક. ચોટીલાથી આશરે 15 કિમી દૂર થાનગઢ રોડ પર આવેલું ઝરીયા મહાદેવ મંદિર એટલે પ્રભુ અને પ્રકૃતિનું રમણીય સંગમ.

પાંડવો પૂજા કરતા હોવાની લોકમાન્યતા
એવી લોકમાન્યતા છે કે, આ સ્વયંભૂ મહાદેવની પૂજા પાંડવો પણ કરતા હતા. જો આ વાત સાચી હોય તો, આ શિવાલય મહાભારતકાલીન હોવાનું ગણી શકાય. કારણ કે, લોકમુખે એવી વાત વહે છે કે, બાર વર્ષના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીંની પાવન ભૂમિ પર વસવાટ કર્યો હતો.

પથ્થરની ઉપર પથ્થર મુકવાની અનોખી માન્યતા
પ્રભુ અને પ્રકૃતિનો અલૌકિક સંગમ એટલે ઝરીયા મહાદેવ. આ મંદિરની આસપાસનો વિસ્તાર વેરાન વગડા સમો. માત્ર ચોમાસામાં જ અહીં લીલોતરી જોવા મળે છે છતાં પથ્થરમાંથી બારેમાસ અવિરત પાણી ટપકતું રહે છે. વિજ્ઞાન પણ આજદિન સુધી આ રહસ્યનો તાગ મેળવી શક્યું નથી. વગડાની નીરવ શાંતિમાં પક્ષીઓનો મધુર કલરવ સંભળાય છે. પક્ષીઓના કલરવથી સુમસાન વગડાનું વાતાવરણ પણ પ્રફુલ્લિત બની જાય છે. શ્રાવણ માસમાં અને ખાસ કરીને શ્રાવણીયા સોમવારે અહીં મેળો ભરાય છે. દૂર દૂરથી લોકો મહાદેવના દર્શન અને મેળો માણવા આવે છે. તો કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં વન ભોજનનો પણ આનંદ લે છે. અહીં પથ્થરની ઉપર પથ્થર મુકવાની એક અનોખી માન્યતા પણ છે. અહીં આવતા દર્શનાર્થીઓ એવું માને છે કે, એમ કરવાથી ભવિષ્યમાં પોતાનું ઘર બને છે.

કેવી રીતે પહોંચવું?
ચોટીલાથી આશરે 15 કિમી દૂર થાનગઢ રોડ પર માંડવ વનમાં પૌરાણિક સ્વયંભૂ ઝરીયા મહાદેવનું મંદિર આવેલું છે. સુરેન્દ્રનગરથી અંદાજે 68 કિમી દૂર આ અલૌકિક મંદિર આવેલું છે. અમદાવાદથી ચોટીલા જવા માટે ખાનગી અને સરકારી બસની સુવિધા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર સુધી પણ રેલવે માર્ગે અથવા રોડ માર્ગે પહોંચી શકાય છે અને ત્યાંથી રિક્ષા કે ટેક્સી મારફતે ઝરિયા મહાદેવ પહોંચી શકાય છએ.