5000 વર્ષ જૂનું શિવાલય, અર્જુનની પ્રતિજ્ઞા ન તોડવા ભીમે શિવલિંગ સ્થાપ્યું
વિવેક ચુડાસમા, અમદાવાદઃ ભાલ પ્રદેશનું ધંધુકા ગામ. આ ગામથી 15 કિલોમીટર દૂર આવેલું છે હજારો વર્ષ જૂનું શિવાલય. આ પાંડવકાલીન શિવાલય 5000 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. શ્રાવણ મહિનાના નવમા દિવસે વાત કરીશું ‘ભીમનાથ મહાદેવ’ના ઇતિહાસ વિશે…
શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, 5000 વર્ષ પહેલાં દ્વાપરયુગમાં પાંડવો 14 વર્ષના વનવાસમાં નીલકા નદીના કિનારે આવ્યા હતા. તેમને એક વર્ષ ગુપ્ત વનવાસ ભોગવવાનો હતો. તે સમયે અર્જુનને મહાદેવ પૂજા-અર્ચના કર્યા વગર ન જમવું તેવું પ્રણ હતું. ભાઈનું પ્રણ ન તૂટે તેથી ભીમે યુક્તિ અજમાવી. જાળના વૃક્ષ નીચે એક શિવલિંગનો આકાર જોયો. ત્યાં ભીમે ફૂલ ચડાવ્યા, જળ ચડાવ્યું અને અર્જુનને મનાવ્યો કે હમણાં જ કોઈ પૂજા કરીને ગયું છે. ત્યારબાદ અર્જુને પણ મહાદેવની પૂજા-અર્ચના કરી હતી અને જમ્યો હતો.
ત્યારબાદ અચાનક ભીમે હાસ્ય કરતા કરતા સમગ્ર હકીકત જણાવી હતી કે, જે શિવલિંગની પૂજા કરવામાં આવી હતી તે ઉપજાવી કાઢવામાં આવ્યું હતું અને અર્જુનની પ્રતિજ્ઞા તૂટી ગઈ છે. આ સાંભળીને અર્જુન ખૂબ જ ચિંતિત થયો હતો અને તે જ જગ્યાએ તેણે ભગવાન શિવની આરાધના શરૂ કરી દીધી. ભાઈને હતપ્રત થયેલો જોઈને ભીમે શિલા પર ગદા મારી અને પથ્થરના બે ભાગ કરી નાંખ્યા. ગદાના પ્રહારથી આ પથ્થર શિવલિંગ આકારનો બની ગયો હતો અને તેમાંથી સહસ્ત્રદૂધની ધારાઓ વહેવા લાગી હતી. શિવજી ત્યાં પ્રગટ થયા હતા અને પાંડવોને આશીર્વાદ આપ્યા હતા. આ રીતે આ શિવલિંગની સ્થાપના થઈ હતી.
તે સમયથી આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે પણ આ વરખડી (જાળ)નું વૃક્ષ લીલુંછમ છે. જેમાંથી ચૈત્ર અને વૈશાખ માસમાં ખાંડ જેવો સફેદ પ્રસાદ જરે છે તેને સૌ ભક્તો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ શિવાલય ‘ભીમનાથ મહાદેવ’ તરીકે ઓળખાય છે.
કેવી રીતે પહોંચવું?
અમદાવાદથી ધંધુકા જવા માટે સહેલાઈથી સરકારી બસ કે ટેક્સી મળી જાય છે. ત્યાંથી 15 કિલોમીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. રેલ માર્ગે જવા માટે અમદાવાદ રેલવે સ્ટેશનથી ધંધુકા થઈને ત્યાંથી મંદિરે પહોંચી શકાય છે. જ્યારે હવાઈ માર્ગેથી પહોંચવા અમદાવાદ એરપોર્ટ પર ઉતરી ત્યાંથી ધંધુકા થઈને ભીમનાથ મહાદેવ પહોંચી શકાય છે.