January 15, 2025

નોટબુક ચેક કરવાના નામે વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરતાં લંપટ શિક્ષકની ધરપકડ

તાપી: કહેવાય છે શિક્ષક દરેક વ્યક્તિના જીવનમાં એક શિક્ષકનું સ્થાન સૌથી મહત્વનું હોય છે. એક શિક્ષક જ વ્યક્તિને યોગ્ય દોરીસંચાર આપવાનું કામ કરે છે. પરંતુ તાપી જિલ્લામાં એક શિક્ષક જ શાળાની વિદ્યાર્થીઓ માટે દૂષણ સાબિત થયો છે. તાપી જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલના શિક્ષક દ્વારા જ વિદ્યાર્થિનીઓ સાથે નોટબુક ચેક કરવાના બહાને શારીરિક છેડતી કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના વાલોડ ગામની હાઈસ્કૂલના શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાલોડ હાઇસ્કૂલના શિક્ષક વિજય ડી. ચૌધરી વર્ગખંડમાં નોટબુક ચેક કરવાના બહાને વિદ્યાર્થીનીઓની શારીરિક છેડતી કરતો હોવાની વિદ્યાર્થિનીઓએ ફરિયાદ કરી હતી. જેને લઈને તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વિદ્યાર્થિનીઓએ પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે લંપટ શિક્ષક વિદ્યાર્થીનીઓનો રસ્તો રોકી જાતીય સતામણી કરતો હતો. એટલું જ નહિ, આ લંપટ શિક્ષકના ત્રાસથી અનેક વિદ્યાર્થીનીઓએ પોતાના વિષયો પણ બદલી નાખવા પડ્યા હતા. બનાવની જાણ દીકરીઓ દ્વારા શાળાના આચાર્ય સહિત પરિવારને કરતા વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદના આધારે વાલોડ પોલીસે લંપટ શિક્ષકની ધરપકડ કરી નામદાર કોર્ટમાં હાજર કરતા નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.