January 17, 2025

અરવલ્લીમાં સર્વર ખોટકાતા આધાર કાર્ડ માટે સ્થાનિકોને ધક્કા

સંકેત પટેલ, અરવલ્લીઃ આધાર કાર્ડ દરેકના જીવનમાં મહત્વનો દસ્તાવેજ સાબિત થઈ રહ્યો છે. જો સમસ્યા આધાર કાર્ડની અંદર આવે તો હવે ખાનગી આધાર કેન્દ્રો પર સુધારાવધારા માટે સર્વર ખોટકાવાના બનાવો સામે આવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લામાં આધારકાર્ડ કેન્દ્રો પર છેલ્લા એક અઠવાડિયાથી અરજદારો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેલું કેન્દ્ર, મોડાસા શહેરમાં આવેલું ખાનગી કેન્દ્ર તેમજ જિલ્લાભરમાં આવેલા ખાનગી કેન્દ્રો પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત સર્વરમાં ટેક્નિકલ સમસ્યા આવતા મુશ્કેલી ઊભી થઈ છે. બેંગ્લોર સાથે કનેક્ટેડ સર્વર અહીંના સ્થાનિક લોકો માટે સમસ્યા ઊભી કરી રહી છે.

ઈલિયાસભાઈ નામના વ્યક્તિએ કહ્યું કે, તેમનો મોબાઈલ ગુમ થયો ત્યારબાદ ઘરના લોકોનું ઇ-કેવાયસી કરવામાં મુશ્કેલી આવતા આધાર કાર્ડમાં સુધારો કરવા પહોંચ્યા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી પરેશાની આવી રહી છે. નાના બાળકો સાથે ધક્કા ખાવા પડી રહ્યા છે.

લિંભોઈ ગામના એક વૃદ્ધા ત્રણ દિવસથી આવે છે અને ટોકન મેળવે છે પણ નંબર આવતો નથી. તેના કારણે તેમને ભારે મુશ્કેલી ભોગવવાની આવી છે. સમસ્યા અન્ય રાજ્યમાં રહેલા સર્વરની હોવાથી સ્થાનિક તંત્ર આ મામલે હસ્તક્ષેપ કરી શકતું નથી, જેના કારણે અરજદારોને સાંભળવાવાળું કોઈ નથી.