December 24, 2024

શિક્ષક અમેરિકામાં, શાળામાં બાળકો રઝળ્યાં; આચાર્યનો ગંભીર આક્ષેપ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવના પટેલ ગેરકાયદેસર ગેરહાજર રહેવા મામલે વિવાદમાં આવી છે. પાન્છા શાળાની ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ આક્ષેપ કર્યા છે કે, આ મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકા રહે છે અને તેનો પગાર શિક્ષણ વિભાગ તેને આપે છે. જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આ તમામ બાબતે ખુલાસો કર્યો છે અને વર્ષોથી નહીં પરંતુ આઠ માસથી આ શિક્ષિકા ગેરકાયદેસર રીતે રજા પર ઉતર્યા છે અને શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારનો પગાર ચૂકવ્યો નથી.

દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા. આચાર્યએ આક્ષેપ કર્યા છે કે, ભાવના પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં આવતા નથી અને એનો પગાર શિક્ષણ વિભાગ એમને આપે છે. જો કે, શિક્ષિકા શાળામાં આવતા નથી એટલે તેમાં બાળકોનું હિત જળવાતું નથી. જેને કારણે આ શિક્ષિકાને બરતરફ કરવાની માગ કરી હતી, તેના કારણે વિવાદ સર્જાયો હતો.

આ પણ વાંચોઃ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, લિકર કૌભાંડ કેસમાં જામીન

મહિલા શિક્ષિકાના વિવાદ બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ ભાવના પટેલ ગેરકાયદેસર રીતે છેલ્લા આઠ માસથી રજા પર ઉતરી ગયા હતા અને શિક્ષણ વિભાગને જાણ કરી ન હોવાનો ખુલાસો થયો છે. જો કે, આઠ માસથી ગેરકાયદેસર રજા પર ઉતરેલા આ શિક્ષિકાને શિક્ષણ વિભાગે પગાર આપ્યો નથી અને ગેરકાયદેસર રજા પર ઉતરી ગયા બાબતે નોટિસ પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશનો ધ્વજ-રાષ્ટ્રગીત હિંદુએ લખ્યું, છતાં બાંગ્લાદેશીઓ કરે છે લઘુમતીઓ પર અત્યાચાર!

શિક્ષણ વિભાગની નોટિસમાં શિક્ષિકાએ પણ સપ્ટેમ્બર મહિનામાં હાજર થવાનો જવાબ રજૂ કર્યો હતો, તે પણ શિક્ષણ વિભાગે ગ્રાહ્ય રાખ્યો ન રાખ્યો હતો અને શિક્ષિકાને નોટિસ ફટકારી હતી. જો કે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે ખુલાસો કર્યો છે કે, આ ગેરકાયદેસર રીતે રજા પર ઉતરેલી શિક્ષિકાને નોટિસ પણ ફટકારી છે અને 2005 શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ બાર માસથી વધુ સમય ગેરહાજર રહેશે તો તેને ફરજ પરથી ટર્મિનેટ કરવામાં આવશે. પાન્છા શાળાના ઇન્ચાર્જ આચાર્યએ જે ગેરસમજ પણ ફેલાવી છે અને જે નિવેદનો કર્યા છે તે તપાસ બાદ તેમની સામે પણ કાર્યવાહી થશે.