December 26, 2024

વડોદરામાં વિદેશ મોકલવા ચાલતો હતો ડુપ્લિકેટ સર્ટિફિકેટનો ગોરખધંધો, SOG ભાંડો ફોડ્યો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી નકલી અને બનાવટી સર્ટિફિકેટને લઈને અનેક ફરિયાદો મળી રહી હતી જેને લઈને SOG દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી. અને આજે વડોદરા SOGને ડુપ્લિકેટ સર્ટિફિકેટ મામલે મોટી સફળતા મળી છે. SOG દ્વારા વિદેશ જવા માટે વિવિધ કંપનીઓના ખોટા સર્ટિફિકેટ બનાવતા ઈસમની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, વડોદરા SOG પોલીસને ડુપ્લિકેટ સર્ટિફિકેટ કૌભાંડ અંગે બાતમી મળી હતી. બાતમી મળતા ગોરવા જીઆઈડીસીમાં ડમી ગ્રાહક મોકલી SOGએ સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું છે. SOG પોલીસે નયન ભટ્ટ નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપી નયન ભટ્ટ જરૂરિયાત મુજબના સર્ટિફિકેટની પ્રિન્ટ કાઢી જાતે જ સહી સિક્કા કરતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નયન ભટ્ટ છેલ્લા બે વર્ષ ઉપરાંતથી લોકોને નકલી સર્ટિફિકેટ બનાવી આપતો હતો. એટલું જ નહિ, આરોપી જુદી જુદી કંપનીઓના બોગસ અનુભવના સર્ટિફિકેટ પણ બનાવી આપતો હતો. પોલીસે જણાવ્યું છે કે આરોપી નયન ભટ્ટ ગોલ્ડન પ્રિન્ટર્સના નામે પ્રિન્ટિંગની દુકાન ચલાવતો હતો.

વડોદરા SOG પોલીસે નયન ભટ્ટની દુકાનમાંથી જુદી જુદી કંપનીઓના નામ અને લોગો વાળા કોરા લેટરપેડ પણ જપ્ત કર્યા છે. SOG પોલીસે આરોપી નયન ભટ્ટની ધરપકડ કરીને તેમજ તેની દુકાનેથી જપ્ત કરેલ મુદ્દામાલ ગોરવા પોલીસને સોંપ્યા છે. હાલ ગોરવા પોલીસે સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી છે.