January 5, 2025

અમેરિકાના સ્પોન્સર વિઝાના નામે 10 લાખની છેતરપિંડી, એક આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં આશ્રમ રોડ પર રહેતા મસાલાના વેપારી અને તેની પત્નીને અમેરિકાના સ્પોન્સર વીઝા અપાવવાનું કહીને ઠગબાઝ એજન્ટ દ્વારા 10 લાખ રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. આ બાબતે સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કાર્તિક નામના ઇસમની ધરપકડ કરવામાં આવી છે. કાર્તિકે અગાઉ કેટલા લોકોને આ પ્રકારે છેતર્યા છે તે બાબતે માહિતી મેળવવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

સુરતના કતારગામ આશ્રમ રોડ પર યશ પટેલ નામના વેપારી પોતાના પરિવાર સાથે રહે છે અને મસાલાનો વેપાર કરે છે. યશ 22 જૂનના રોજ પોતાના માસીના ઘરે ગયા હતા તે સમયે તેમનો સંપર્ક હર્ષાબેન તેમના બહેન રેખાબેન, રેખાના પતિ વિનોદ અને એક કાર્તિક નામના એક ઈસમ સાથે થયો હતો.

વિનોદ નામના વ્યક્તિએ યશને જણાવ્યું હતું કે, પોતે અમેરિકામાં મોટેલ, કસીનો અને બાર્બરની શોપ ચલાવે છે. કાર્તિક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેને પોતાની પત્નીના નામે અમેરિકામાં મોલ ચાલુ કરવાનો છે અને આ મોલમાં કામ કરવા માટે માણસોની જરૂર છે. જો કોઈ વ્યક્તિને કામ કરવા માટે રસ હોય તો અમે તેને સ્પોન્સર વિઝાની મદદથી અમેરિકા લઈ જશું. ત્યારે કાર્તિકની વાતમાં યશ આવી ગયો હતો અને બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઈ હતી. ત્યારબાદ કાર્તિકે 26 જૂનના રોજ યશને ફોન કરી સુરતની કોઈ સારી હોટલમાં રૂમ બુક કરાવવાનું જણાવ્યું અને આ હોટલમાં મળવાની વાત કરી.

યશ અને તેના પરિવારના સભ્યો કાર્તિકને હોટલમાં મળવા માટે ગયા હતા. ત્યાં અગાઉથી જ હર્ષાબેન તેનો દીકરો અને બનેવી વિનોદ હાજર હતા. ત્યારબાદ કાર્તિક દ્વારા યશ પટેલ અને તેની પત્નીને અમેરિકાના સ્પોન્સર વિઝા અપાવવા માટે જણાવવામાં આવ્યું હતું. તે માટે પાસપોર્ટ, ડોક્યુમેન્ટ અને 10 લાખ રૂપિયાની ડીલ થઈ હતી અને ડીલ અનુસાર પૈસા પણ ચૂકવી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ 21 જુલાઈના રોજ ગાંધીનગરમાં નવું મકાન ખરીદ્યું હોવાથી વાસ્તુ રાખ્યાનો નિમંત્રણ યશને આપ્યું હતું. પરંતુ યશ રાજકોટ જવાનો હોવાથી તેને વાસ્તુમાં આવવાની ના પાડી હતી.

ત્યારબાદ યશ દ્વારા તેના પુત્રને મોકલવાનું જણાવવામાં આવ્યું તો કાર્તિકે પોતાના કુટુંબમાં કોઈનું મરણ થઈ ગયું હોવાથી કાર્યક્રર્મ રદ થયો હોવાની વાત કરી હતી. ત્યારબાદ યશ અને વિરાજ દ્વારા નિમંત્રણ કાર્ડમાં આપેલા સરનામા પર ગાંધીનગરમાં તપાસ કરતા કોઈપણ પ્રકારનું મકાન ન હોવાનું સામે આવ્યું હતું અને પરિવારને જાણવા મળ્યું હતું કે કાર્તિક દ્વારા 10 લાખ રૂપિયાની છેતરપિંડી વિઝાના નામે કરવામાં આવી છે.

સમગ્ર મામલે યશ પટેલ દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે આ ફરિયાદના આધારે કાર્તિક નામના ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા કાર્તિકને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. કાર્તિકે આ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.