December 23, 2024

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ

Jammu Kashmir Encounter: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, આ એન્કાઉન્ટર ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં ચાલી રહ્યું છે. ભારતીય સેના અને રાજ્ય પોલીસની સંયુક્ત ટીમે આતંકવાદીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છૂપાયેલા હોય શકે છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. અહીં બંને તરફથી સામસામે ગોળીબારના અવાજો આવી રહ્યા છે.

અનંતનાગથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ
એક દિવસ પહેલા જ સુરક્ષા દળોએ અનંતનાગમાં ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી હથિયાર અને વિસ્ફોટકો મળી આવ્યા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ દાઉદ અહેમદ ડાર, ઈમ્તિયાઝ અહેમદ રેશી અને શાહિદ અહેમદ ડાર તરીકે થઈ છે. ત્રણેય હસનપોરા તાવેલાના રહેવાસી છે.

મળી આવ્યા મોટા પ્રમાણમાં હથિયાર
પોલીસ અધિકારીએ જણાવ્યું કે હસનપોરા તુલખાન રોડ પર સંયુક્ત બ્લોકમાં તપાસ દરમિયાન આતંકવાદીઓની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ તેમના કબજામાંથી હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો હતો. તેમાં એક પિસ્તોલ, એક પિસ્તોલ મેગેઝિન, 8 પિસ્તોલ રાઉન્ડ, એક ગ્રેનેડ અને એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) ઉપરાંત ગુનાહિત સામગ્રીનો સમાવેશ થાય છે.