September 20, 2024

કરોડો કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને ઝટકો, 18 મહિનાનું DA એરિયર્સ નહીં આપે કેન્દ્ર સરકાર

દિલ્હી: કેન્દ્ર સરકારે પોતાના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ઝટકો આપ્યો છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ મંગળવારે રાજ્યસભામાં સ્પષ્ટપણે કહ્યું છે કે, કોરોનાકાળ દરમિયાન સરકારી કર્મચારીઓના 18 ટકા DA/DR અટકાવી દેવાયા હતા તેનું એરિયર્સ હવે નહીં મળે. નેશનલ કાઉન્સિલ (જેસીએમ) સ્ટાફ સાઈડના પ્રતિનિધિઓ સહિત વિવિધ કર્મચારી સંગઠનોએ ડીઓપીટીના સેક્રેટરી (પી)ને આગ્રહ કર્યો હતો કે 18 મહિનાના ‘ડીએ’નું એરિયર્સ કર્મચારીઓનો અધિકાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને કોરોના સમયગાળા દરમિયાન રોકી રાખેલા DA/DRના એરિયર્સ રિલીઝ કરવામાં આવે.

રાજ્યસભાના સભ્યો, જાવેદ અલી ખાન અને રામજી લાલ શર્માએ ગૃહમાં સવાલ પૂછ્યો હતો કે શું સરકાર કોરોના કાળ દરમિયાન કર્મચારીઓને બંધ કરાયેલ ડીએ/ડીઆરમાં એરિયર્સની ચૂકવણી કરવામાં સક્રિય છે કે નહીં. બંને સાંસદોએ પૂછ્યું કે, જો સરકાર આ પેમેન્ટ બહાર પાડી રહી નથી તો તેનું કારણ શું છે? ભારતીય અર્થતંત્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ વર્ષે DA/DR ની આપવા અંગે કર્મચારી સંગઠનો પાસેથી કેટલા અહેવાલો પ્રાપ્ત થયા છે? તેમની સામે સરકારે શું પગલાં લીધાં છે?

આ સવાલના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, કોરોના કાળ દરમિયાન અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિને કારણે DA/DR અટકાવવામાં આવ્યા હતા. ત્યારે સરકાર પર નાણાકીય દબાણ હતું. આ અંગે NCJCM સહિત વિવિધ કર્મચારી સંગઠનો તરફથી રજૂઆતો મળી છે. હાલના સમયમાં ઉપરોક્ત ભથ્થાંના એરિયર્સ આપવા શક્ય નથી.