December 26, 2024

હાથમતી-ઇન્દ્રાસી નદીના કિનારે આવેલું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ મંદિર

સંકેત પટેલ, અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા પાસે હાથમતી અને ઇન્દ્રાસી નદીકિનારે આવેલું જૂના ભાવનાથનું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ અને પૌરાણિક શિવાલય છે. આસપાસના શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર એવા આ મંદિરમાં દર સોમવાર તેમજ શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડાથી 3 કિલોમીટર દૂર જૂના ભવનાથમાં પવિત્ર ઇદ્રાસી અને હાથમતી નદીના કિનારે કુદરતી નયનરમ્ય વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ સ્થાનક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કહેવાય છે કે, વર્ષો પહેલાં આ સ્થાન પર જંગલ હતું અને જંગલમાં ગોપાલક ગૌધણ લઇને ચરાવવા જતો હતો. ત્યારે આ ગૌધણમાંની એક કામધેનુ ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી. એક દિવસ યોગાનુયોગ ગોપાલક આજ વૃક્ષ પાસે આરામ કરતો હતો. ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ કામધેનુ ગાય આ વૃક્ષ પાસે આવી અને આંચળમાંથી દૂધની ધારા કરવા લાગી હતી.

આ દૃશ્ય જોઈને ગોપાલક આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ વૃક્ષ કે જ્યાં કામધેનુ ગાય દૂધની ધારા કરી હતી. તે સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દૃશ્યમાન થયું. પછી ગોપાલકે આસપાસના લોકોને જાણ કરી હતી. જેથી આસપાસથી લોકો આ સ્થાનના દર્શન કરવા દોડી આવ્યા હતા. દિવસેને દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી અને ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વધતા ભક્તો દ્વારા આ સ્થાન પર ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ સ્થાનને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગને પ્રતિષ્ઠિત કર્યું હતું અને લોકઆસ્થાનું કેન્દ્રસ્થાન બન્યું હતું.

આ સ્થાનનું બીજું એક ઐતિહાસિક મહત્વ રહેલું છે. આ સ્થાન પર વેદ અને પુરાણોમાં જે ઋષિઓનાં નામ વર્ણવેલા છે, તેમના એક ચ્યવન ઋષિનું નામ પણ પ્રચલિત છે. ચ્યવન ઋષિનો આશ્રમ અહીં આવ્યો હતો. કહેવાય છે કે, કાશીનરેશની પુત્રી સુકન્યા અહીં ચ્યવન ઋષિ પાસે તપ કરવા આવી હતી. તપના પ્રભાવથી સુકન્યાનું શરીર રાફડામય બની ગયું અને તેના માત્ર નેત્ર સિવાય કઈ દેખાતું નહોતું. તેથી કાશીનરેશે એક ડાભની સળી લઈ ઋષિના નેત્ર તરફ નાખી જેથી ઋષિના નેત્ર ઠરડાઈ ગયા. જેથી ક્રોધિત થયેલા ઋષિએ કાશીનરેશને શ્રાપ આપ્યો કે, કાશીનરેશ સહિત તેનું તમામ સૈન્ય રોગિષ્ટ બની જશે. તેના પસ્તાવા રૂપે ઋષિની સેવા માટે સુકન્યાને ઋષિ સાથે પરણાવવામાં આવી હતી.

આ આશ્રમે દેવોના વેદ અશ્વિનીકુમારો યોગાનુયોગ આવી પહોંચ્યા હતા. સુકન્યાએ અશ્વિનીકુમારોનું ભાવભીનું આતિથ્ય કર્યું હતું. આ પ્રભાવ જોઈને અશ્વિનીકુમારોએ સુકન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, પણ સુકન્યા સહેજ પણ વિચલિત થઈ નહીં. તેથી અશ્વિનીકુમારોએ સુકન્યાના દ્રઢ મનોબળના પ્રભાવથી પ્રસન્ન થઈ ચ્યવન ઋષિના નેત્ર પરત આપવા આ સ્થાનકની બાજુમાં આવેલા સરોવરમાં ઔષધિઓ નાંખી અને ઋષિને લઈ અશ્વિનીકુમારો આ સરોવરમાં ડૂબકી લગાવી સરોવરમાંથી બહાર આવ્યા. ત્યારે ઋષિમુનિની બંને નેત્રોમાં દ્રષ્ટિ પરત આવી ગઈ હતી. તેથી આ કુંડને ભૃગુ કુંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ભૃગુ કુંડમાં કોઈપણ રોગિષ્ટ વ્યક્તિ સ્નાન કરે તો તેના રોગ દૂર થાય છે. ખાસ ચર્મ રોગ દૂર કરવા માટે અનેક ભક્તો ભૃગુ કુંડમાં સ્નાન કરે છે. આ મહત્તમ શ્રીમદ્ ભાગવતના નવમા સ્કંદના ત્રીજા અધ્યાયમાં વર્ણવેલો છે.

આ ભુવનેશ્વર મહાદેવના ઐતિહાસિક અને ધાર્મિક સ્થાનકે દર શ્રાવણ માસમાં હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ભગવાન ભોળાનાથને દૂધ અને જળનો અભિષેક કરે છે. ભક્તો દ્વારા શિવલિંગ પર વૈદિક મંત્ર વડે બીલીપત્ર ચઢાવે છે. સવાલક્ષ બીલીના અનુષ્ટાન કરે છે. જન્મકુંડળીમાં કોઈપણ ગ્રહદોષ હોય તો તેને દૂર કરવા પંડિતો દ્વારા વિધિવિધાન કરવામાં આવે છે. શ્રાવણ માસમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને સ્વયંભૂ ભોળાનાથના સાનિધ્યમાં માટીમાંથી બનાવેલા પાર્થિવ લિંગની પૂજા પણ કરે છે. આમ આવા પવિત્ર હાથમતી અને ઇન્દ્રાસી નદીના કિનારે ખુબ જ આહ્લાદક વાતાવરણમાં કુદરતી રીતે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવની પૂજા અર્ચનાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. આમ અરવલ્લીના ભિલોડા પાસે બિરાજમાન ભુવનેશ્વર મહાદેવનો મહિમા અનંત છે અપાર છે.

વર્ષો જૂનાં આ પ્રાચીન અને પૌરાણિક મહાદેવ મંદિરને પવિત્ર યાત્રાધામમાં રહેવાની સગવડ પણ ઉભી કરવામાં આવી છે. આગામી સમયમાં આ સ્થાન સુધી પહોંચવા માટેનો બંને નદીઓ વચ્ચેનો રસ્તો બે માર્ગીય કરવા માટે તેમજ મંદિરમાં અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા વધુ ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું. ત્યારે બંને નદીઓ વચ્ચે આવેલું આ ભુવનેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્રની સાથે શ્રદ્ધાનું સ્થાન બની લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યું છે.