December 18, 2024

જેતપુરઃ મિત્રનું મોત થતાં બીજા મિત્રએ મૂર્તિ સ્થાપી, દરરોજ કરે છે પૂજા

ધ્રુવ મારુ, જેતપુરઃ મિત્રતાના દિવસો ન હોય, એનાં જમાના હોય… આ વાતને સાર્થક કરતો પુરાવો જેતપુરમાં જોવા મળે છે. જેતપુરમાં એક મિત્રએ ફાની દુનિયાને અલવિદા કહી તો તેનો મિત્ર હાલ તેને ભગવાનની જેમ પૂજે છે. આવો જાણીએ સમગ્ર માહિતી…

રાજકોટ જિલ્લામાં આવેલું જેતપુર ગામ. તેના સ્મશાનમાં અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ પૂજાય છે, પરંતુ આ સાથે જ એક મૂર્તિ અને તેની પૂજા કરતા એ વ્યક્તિ પર લોકોનું ખાસ ધ્યાન જાય છે. આ વ્યક્તિ એટલે બાંધકામ ઉદ્યોગ સાથે સંકડાયેલા ચંદુભાઈ મકવાણા. ચંદુભાઈ દરરોજ સવારે જેતપુર સ્મશાનમાં આવે છે અને એક મૂર્તિ પાસે જઈને તેની પૂજા કરે છે. ચંદુભાઈ જે મૂર્તિની પૂજા કરે છે તે કોઈ ભગવાનની મૂર્તિ નથી, પરંતુ તેમના પરમમિત્ર અપ્પુ જોગરણાની મૂર્તિ છે. વાંચીને નવાઈ લાગશે પણ આ વાત સત્ય છે.

અપ્ ભાઈ અને ચંદુભાઈ બંને બાળપણના મિત્રો છે અને જીગરજાન મિત્રો હતા. બંને એકબીજા માટે જાન આપવા તૈયાર રહેતા હતા. બંને મૂળ ભાવનગરના રહેવાસી. ચંદુભાઈ કામ-ધંધા માટે જેતપુર આવી ગયા હતા. એક વખત અપ્પુભાઈનો અકસ્માત થયો અને ચંદુભાઈ તેને મળવા પહોંચે તે પહેલાં જ અપ્પુભાઈએ આ દુનિયા છોડી દીધી હતી. ચંદુભાઈને કોઈ જગ્યાએ ચેન પડે નહીં અને રોજ તેનો મિત્ર યાદ આવે. કોઈ મુશ્કેલી હોય, કામ પૂરા થતા ન હોય ત્યારે ચંદુભાઈને તેનો મિત્ર અપ્પુ યાદ આવે અને તેના સ્મરણ સાથે જ ચંદુભાઈના અટકેલા કામ પૂરા થાય.

ચંદુભાઈને અપ્પુ જાણે કે અદ્રશ્ય રહીને દરેક કામમાં સાથે જ હોય તેવી અનુભૂતિ થતી હતી. હંમેશા પોતાના દિલમાં વસી ગયેલા અપ્ ને કાયમમાં જીવંત રાખવા માટે ચંદુભાઈએ કંઈક કરવાનો વિચાર આવ્યો અને તેણે અપ્પુની મૂર્તિ બનાવીને જેતપુરના સ્મશાનમાં સ્થાપિત કરી. ચંદુભાઈ દિવસની શરૂઆત અને ઘરેથી નીકળે એટલે પ્રથમ તેના મિત્રની પૂજા કરે છે. ચંદુભાઈએ જીગર જાન મિત્રના નામ ઉપર અપ્પુ કન્ટ્રક્શન, અપ્પુ ફર્નિચર તેમજ ચંદુભાઈ કોઈપણ નવું સાહસ કરે તો તેમના મિત્રના નામ ઉપર રાખે છે. મિત્ર અપ્પુભાઈના નામ ઉપર બટુક ભોજન, સમૂહ લગ્ન પણ કરાવે છે. જેતપુરમાં ચંદુભાઈની મિત્રતાને લોકો કૃષ્ણ અને સુદામા સાથે સરખાવે છે.

ચંદુભાઈ અને તેમના જીગર જાન મિત્ર અપ્પુનો જન્મદિવસ યોગાનુયોગ એક જ દિવસે છે. તેઓ સ્મશાન આવીને કેક કાપીને મિત્ર સાથે જન્મદિવસ પણ ઉજવે છે. ફ્રેન્ડશિપ ડેના દિવસે ચંદુભાઈ મિત્રને યાદ કરી અને ફ્રેન્ડશિપ બેલ્ટ પણ બાંધે છે અને કેક કાપીને ઉજવણી કરે છે.