December 23, 2024

પાટણ, મહેસાણા અને અમદાવાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

અમદાવાદ: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં મધ્ય વરસાદ પડશે. ત્યાં જ રાજકોટ, જામનગર, બોટાદ, દ્વારકા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી, ખેડા, આણંદમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

બીજી તરફ પાટણમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદની શરૂઆત થવા પામી છે. જેને લઇને ઠેર-ઠેર પાણી ભરાયા છે. માર્ગો ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે છીન્ડિયા દરવાજા અને ડોક્ટર હાઉસ તરફ જવાના બંને માર્ગો પાણીમાં ગળકાવ થતા વાહન વ્યવહાર સહિત રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને માર્ગ ઉપર ઘૂંટણ સુધીના પાણી ભરાવતા રાહદારીઓ અને વાહન ચાલકો અટવાયા છે. આ વિસ્તારમાં 50થી વધુ સોસાયટીઓ આવેલી છે જેના રહીશોને પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, મહેસાણામાં મેઘો અનરાધાર

છેલ્લા 2 કલાકમાં રાજ્યના 71 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો 7 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 64 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ સરસ્વતીમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ખંભાળીયામાં 2 ઈંચ, ખેડામાં દોઢ ઈંચ, પાટણમાં દોઢ ઈંચ, બેચરાજી અને કાલાવાડમાં સવા 1 ઈંચ, વિસનગરમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.