December 29, 2024

ઘેડના પ્રાણપ્રશ્નોને લઈને ખેડૂતો આકરા પાણીએ, જુનાગઢ કલેકટર કચેરી ખાતે રામધૂન બોલાવી

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ કલેક્ટર કચેરીએ કિસાન કોંગ્રેસની આગેવાનીમાં ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું, મોટી સંખ્યામાં ઘેડ પંથકના ખેડૂતોએ મુખ્ય ચાર મુદ્દા પર કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. કલેક્ટર કચેરીએ સવારથી મોટી સંખ્યામાં ખેડૂતોની ભીડ એકત્રીત થઈ હતી અને બપોર સુધી અધિકારીઓએ મળવાનો સમય નહીં આપતાં ખેડૂતોએ રામધૂન બોલાવી હતી તેમ છતાં સમય નહીં અપાતાં ખેડૂતોએ અન્ન જળ ત્યાગ કરવાની ચીમકી આપતાં અંતે આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.

ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બની જાય છે, અઠવાડીયા સુધી લોકો અવરજવર કરી શકતા નથી સાથે ખેતી પાકોને પણ ભારે નુકશાની થાય છે. જૂનાગઢ અને પોરબંદર જીલ્લાના અંદાજે 70 ગામોનો ધેડ પંથકમાં સમાવેશ થાય છે, અંદાજે અઢી લાખની વસ્તી છે અને અંદાજે એક લાખ હેક્ટર ખેતીની જમીન ઘેડ વિસ્તારમાં આવેલી છે જેમાં દર વર્ષે ચોમાસામાં ઓઢત, ભાદર, મધુવંતી, સાબલી સહીતની નદીઓમાં પુર આવે છે જેના પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થાય છે. અઠવાડીયા દસ દિવસ સુધી લોકો ક્યાંય અવરજવર કરી શકતા નથી, ઘેડ પંથકના રસ્તાનું ધોવાણ થઈ જાય છે, ખેતી પાકોને ભારે નુકશાની થાય છે ખેડૂતોને ખેતી પાક સાથે ખેતીની જમીનનું પણ ધોવાણ થઈ જાય છે સાથે રોજીંદા જીવન પર અસર પડે છે.

તાજેતરમાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકની સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કૃષિ મંત્રી અને જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે પણ ઘેડ પંથકની મુલાકાત કરી, ખેડૂતો અને ગામના આગેવાનો સાથે ચર્ચા કરી પરિસ્થિતિ જાણી હતી અને યોગ્ય પગલા લેવા તંત્રને સૂચના આપી તથા ખેતી પાકોના ઘોવાણ માટે યોગ્ય પગલા લેવા આશ્વાસન આપ્યું હતું.

ત્યારે પણ કિસાન કોંગ્રેસ દ્વારા રાહત પેકેજની જાહેરાત નહીં કરવા અંગે આક્રોસ વ્યક્ત કરાયો હતો અને આજે કિસાન કોંગ્રેસની આગેવાનીમાં મોટી સંખ્યામાં ખેડૂતોને સાથે રાખીને જીલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં માંગ કરવામાં આવી કે ઘેડ વિકાસ નિગમ ઉભું કરવામાં આવે, બજેટમાં ઘેડ માટે અલગ ફંડ ફાળવવામાં આવે, ઘેડમાં પુરના પ્રશ્નનું કાયમી નિરાકરણ આવે તે માટે નદીઓ ઉંડી કરવામાં આવે અને નદીઓના પાળા બનાવવામાં આવે તથા ચાલુ વર્ષે ઘેડ પંથકમાં ખેતી પાકોને નુકશાની અને જમીનનું ધોવાણ થયું છે તેના માટે ઓછામાં ઓછું 500 થી 600 કરોડનું સરકાર રાહત પેકેજ જાહેર કરે, ઉબેણ નદીમાં જે કેમીકલ ઠાલવવામાં આવે છે તે સદંતર બંધ કરવામાં આવે, આમ જે ચાર માંગ કરવામાં આવી છે તેમાની પ્રથમ બે માંગ નિતિ વિષયક હોય બે મહિના સુધી ખેડૂતો રાહ જોશે જ્યારે અન્ય બે મુદ્દા માટે સરકાર અઠવાડીયામાં નિર્ણય જાહેર કરે તેવી માગં કરવામાં આવી છે અન્યથા ખેડૂતો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.