January 6, 2025

છત્રી-રેઇનકોટ જોડે જ રાખજો, આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગઇકાલથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારે, રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઑફશૉર ટ્રફ સક્રિય થયું છે. જેને કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ થઈ શકે છે.

રાજ્યમાં વરસાદની આગાહીની સાથે સાથે હવામાન વિભાગે રાજ્યના કેટલાંક સ્થળોએ ઓરેન્જ એલર્ટ તો કેટલાંક સ્થળોએ યલો અલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. તો, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં આજે અતિભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અમદાવાદની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદ થઈ શકે છે.

તો, આ વખતના ચોમાસામાં થયેલ વરસાદને લઈને હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થયો છે. જેમાં, સૌરાષ્ટ્ર વિસ્તારમાં 50%થી વધારે વરસાદ થયો છે. સામાન્ય રીતે 276 મિલી વરસાદ થવો જોઈએ. જેની સામે આ વખતે 413.1 મિલી વરસાદ થયો છે. તો, મધ્ય, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો સામાન્ય 451 મિલી વરસાદ હોવો જોઇએ જેની સામે અત્યાર સુધી માત્ર 431 મિલી વરસાદ થયો છે. આમ આ વિસ્તારોમાં 4% વરસાદની ઘટ છે. ઓવરઓલ ગુજરાતની વાત કરીએ તો સામાન્ય 353 મીલી વરસાદ હોવો જોઈએ. જેની સામે 418 મીલી વરસાદ નોંધાયો છે.