December 22, 2024

ફોર વ્હીલર ગીરવે મૂકવાના કૌભાંડમાં મુખ્ય આરોપીની ધરપકડ, લોકસભા ચૂંટણીનું કહી ગીરવે મૂકતો

મિહિર સોની, અમદાવાદઃ ફોર વ્હીલર ગાડીઓ ભાડે મૂકી ગીરવે મૂકવાના કૌભાંડ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં 75 જેટલી ગાડીઓ ભાડે લઈ ગીરવે મુકાઈ હોવાની તપાસમાં સામે આવ્યું છે. જેમાં પોલીસે 35 ગાડીઓ કબજે કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. જેમાં સરકારી કર્મચારી કે અન્ય કોની કોની સંડોવણી છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

લોકસભાની ચૂંટણીના બહાના હેઠળ ગાડી ભાડે મેળવી ગીરવે મૂકી દેનારા પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. માસિક 25થી 36 હજારનાં ભાડામાં ગાડીઓ મેળવી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ગાડીઓ ગીરવે મૂકીને તે જ રૂપિયાથી ગાડી માલિકને ભાડું ચૂકવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પ્રિન્સે 76 જેટલી ગાડીઓ ભાડે મેળવી અલગ અલગ જગ્યાએ ગીરવે મૂકી હતી. આ ફરિયાદના આધારે પોલીસે 35 ગાડીઓ કબજે કરી અન્ય ગાડીઓની શોધખોળ શરૂ કરી છે.

ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલા 35 ફોર વ્હીલર અલગ અલગ ફાઇનાન્સર ત્યાં ગીરવે મૂકવામાં આવ્યા હતા. તેમાંથી સૌથી વધુ ફોર વ્હીલર વિસનગર પાસે આવેલા ભાલક ગામમાંથી મળી આવી છે. આ સાથે જ જ્યારે પહેલી વખત પોલીસ ભાલક તપાસમાં પહોંચી ત્યારે ઇમરાન નામના એક વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. આ સાથે જ કબજે લીધેલી તમામ ફોરવ્હીલર કોઈ ગુનામાં વપરાયેલી છે કે કેમ તેની તપાસ માટે એફએસએલની મદદ લીધી છે. તો બીજી તરફ પકડાયેલા આરોપી પ્રિન્સની પૂછપરછ કરતા 7થી 8 લાખ રૂપિયાનું દેવું થઈ જતા ગાડીઓ ગીરવે મૂકીને રૂપિયા મેળવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે બીજી બાજુ તમામ ફોર વ્હીલર ગાડીના માલિકને દર મહિને ભાડું ચૂકવતો હોવાનું કબૂલાત કરી રહ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપી પ્રિન્સને ગાડીઓ ભાડે લેવાનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો. પરંતુ લોકસભાની ચૂંટણીના બહાને વધુ ગાડીઓ ભાડે મળતી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રિન્સને એવો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ સાથે જ આરોપીએ કોઈ કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલો છે કે કેમ તથા આ કૌભાડમાં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે ખાનગી વ્યક્તિની સંડોવણી છે કે કેમ તેને અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.