January 5, 2025

પેરિસ ઓલિમ્પિક્સમાં સુરતના ખેલાડીની આગેકૂચ, માતાએ કહ્યું – 25 વર્ષની મહેનતનું પરિણામ

અમિત રુપાપરા, સુરતઃ ફ્રાન્સના પેરિસમાં રમાઈ રહેલી ઓલમ્પિક ગેમ્સ-2024ની મેન્સ ટેબલ ટેનિસ સ્પર્ધામાં સુરતના ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈએ પ્રથમથી સકારાત્મક જીત તરફ આગેકૂચ કરી છે. હરમીત દેસાઈની પ્રથમ જીતને લઈ તેની માતાએ ખુશી વ્યક્ત કરી છે. હરમિત દેસાઈની માતા અર્ચના દેસાઈએ જણાવ્યું હતું કે, આ 25 વર્ષની મહેનતનું સફળ પરિણામ છે. પડકારોને ઝીલવું તે સફળતાની ચાવી છે. હરમીત ઓલિમ્પિકમાં ગોલ્ડન મેડલ હાંસલ કરે તેવી આશા છે.

સુરતના ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી હરમીત દેસાઈએ સકારાત્મક જીત તરફ આગેકૂચ કરી છે. ફ્રાન્સના પેરિસમાં રમાઈ રહેલી મેન્સ ટેબલ ટેનિસ સ્પર્ધાના આરંભે જ જોર્ડનના ખેલાડીને 0.4થી માત આપી જીત હાંસલ કરી છે. ત્યારે સુરતમાં રહેતા તેના માતા-પિતાએ હરમીતની પ્રથમ જીતની ખુશી વ્યક્ત કરી છે.

હરમીત દેસાઈની માતા અર્ચના દેસાઈએ પુત્રની પ્રથમ જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘25 વર્ષની મહેનતનું આ સફળ પરિણામ છે. પડકારો ઝીલવા તે સફળતાની ચાવી છે. બહારના દેશમાં જઈ અલગ જગ્યા અને અલગ લોકો અને અલગ વાતાવરણમાં અન્ય દેશના ખેલાડીને માત આપવી તે ખૂબ જ પડકારજનક બાબત છે. હરમીત ઘણાં સમયથી ઓલમ્પિકની તૈયારી કરી રહ્યો હતો. જેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરવાનો અવસર હરમીતને પ્રાપ્ત થયો તે અમારા માટે ગૌરવ અને ખુશીની બાબત છે. હરમીત ઓલમ્પિકમાં સારું-પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે તેવી આશા છે.’