January 7, 2025

વલસાડના 10 ગામ પર ખતરો, પ્રોટેક્શન વોલ નહીં બનાવે તો દરિયામાં ગરકાવ થશે!

હેરતસિંહ રાઠોડ, વલસાડઃ તાલુકાનું એક એવું ગામ જ્યાંના લોકો ચોમાસા દરમિયાન ભયનાં ઓથા હેઠળ જીવે છે. વાત છે વલસાડના કાંઠા વિસ્તારમાં આવેલું દાંતી ગામ. આ ગામમાં હવે ધીમે ધીમે દરિયો અંદર ઘૂસી રહ્યો છે. આવનારા દિવસોમાં જો ગામને પ્રોટેક્શન વોલ નહીં મળે તો દાંતી ગામ સહિત કાંઠા વિસ્તારના 10થી વધુ ગામ દરિયામાં ગરકાવ થઈ જશે અને તેમનું અસ્તિત્વ મટી જશે.

વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારોનાં ગામો પર દરિયાઈ ખતરો મંડરાઈ રહ્યો છે. જેને કારણે કાંઠા વિસ્તારના લોકોને કાંઠો છૂટી જવાનો ભય સતાવી રહ્યો છે. 15થી 20 વર્ષ પહેલાં વલસાડના કાંઠા વિસ્તારમાં મોટી દાંતી ગામ અસ્તિત્વમાં હતું. સાતથી આઠ હજારની વસ્તી ધરાવતા મોટી દાંતી ગામમાં હવે દરિયો ગામમાં ઘૂસી આવતા મોટી દાંતી ગામના લોકોએ સ્થળાંતર કરી નાની દાંતી ગામે રહેવા જવાની ફરજ પડી રહી છે. દર વર્ષે દરિયો ધીમે ધીમે કાંઠા વિસ્તારમાં ઘૂસતો જાય છે. તેને અટકાવવા માટે એક મસમોટી પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે. ત્યારે કાંઠા વિસ્તારના અંદર જેટલા ગામોનું અસ્તિત્વ હવે માત્ર દાંતી ગામ છે, જો દાંતી ગામમાં દરિયો અંદર ઘૂસી જશે તો 15 જેટલા ગામોનું અસ્તિત્વ મટી જશે. વર્ષોથી ઘર બદલી બદલીને રહેતા માછીમારોની એક જ માગ છે કે સરકાર પ્રોટેક્શન વોલ બનાવે.

દર વર્ષે દરિયો વધુને વધુ તોફાની બનતો જાય છે અને તોફાની બનતા દરિયો હવે દાંતી ગામમાં ઘૂસી રહ્યો છે. એક તરફ અંબિકા નદી, એક તરફ ખાડી અને એક તરફ દરિયો આ ત્રણેયની વચ્ચે વસેલું મોટી દાંતી ગામ ધીમે ધીમે દરિયામાં નામશેષ થઈ જતા લોકો સ્થળાંતર કરીને દાંતી ગામમાં વસવા લાગ્યા છે. ત્યારે અહીંયા પણ એ જ ડર લોકોને સતાવી રહ્યો છ કે દરવર્ષે ચોમાસાની સિઝન દરમિયાન દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ઘૂસવાના કારણે ભારે નુકશાન કરે છે. લોકોના ઘરોમાં ઘૂસી જાય છે.

છેલ્લાં 5 વર્ષમાં 2 કિલોમીટર અંદર ગામમાં દરિયો આગળ વધ્યો છે. ત્યારે આજે પણ તોફાની દરિયો ગામમાં ઘુસતો જોવા મળે છે. આ દરિયો ગામમાં ઘૂસવાનું એક બીજું કારણ પણ સામે આવ્યું છે કે, અંબિકા નદીમાં થતું ગેરકાયદેસર રેતીખનન. આ કારણ પણ ગામનું અસ્તિત્વ મટાડવામાં તોફાની દરિયાને મદદ કરી શકે છે. કારણ કે અંબિકા નદીમાંથી ખનન માફિયાઓ દ્વારા રેતી ખનન કરીને આંતરરાજ્યમાં રેતીની ચોરી કરી રહ્યા હોય એવા આક્ષેપ ગામલોકો લગાવી રહ્યા છે. તેના કારણે દરિયાનું ધોવાણ ફરીથી થઈ રહ્યું છે અને દરિયો હવે સહેલાઈથી દાંતી ગામમાં ઘૂસી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં અત્યાર સુધીમાં 25 ટકા વરસાદ, ખેડૂતોમાં ચિંતા

મોટી ભરતીના કારણે વલસાડ તાલુકાના દાંતી ગામમાં દરિયો તોફાની બનતા 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. દાંતી ગામમાં દરિયો તોફાની બનતા દરિયાનું પાણી ગામમાં ફરી વળ્યું હતું. જેને કારણે ગ્રામજનોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. દરવર્ષે દાંતી ગામના લોકો ચોમાસાના ચાર મહીના ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. ગ્રામજનો દ્વારા દરિયાકિનારે પ્રોટેક્શન વોલ બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં અહીં પ્રોટેક્શન વોલ ન બનતા ગામના 4000થી વધુ લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. ગામજનોનું કહેવું છે કે, હજુ પણ સરકાર પ્રોટેક્શન વોલ ન બનાવે તો ગામ સંપૂર્ણપણે દરિયામાં ગરકાવ થઈ જશે.