December 23, 2024

ખાડી પૂરના પાણી ઓસરતા સુરત મહાપાલિકાનું ડ્રેનેજ વિભાગ એક્શનમાં

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસથી ખાડી પૂરની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. ત્યારે મીઠી ખાડીમાં ખાડી પૂરના પાણીનું જળસ્તર ઓછું થતા સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રણ પંપની મદદથી વિસ્તારમાં ભરાયેલા પાણીને ખાડીમાં ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે અને તેના જ કારણે સુરત મહાનગરપાલિકાની ડ્રેનેજની લાઈનોમાં પણ પાણીની જાવક જોવા મળી રહી છે અને ડ્રેનેજ લાઈનો શરૂ થતા સુરત મહાનગરપાલિકાનું ડ્રેનેજ વિભાગ એક્શનમાં આવ્યું છે અને જે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યાં હવે વોટર પંપની મદદથી ખાડીપુરના પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. મીઠી ખાડીમાં પાણીની સપાટી ખાડી પૂરની પરિસ્થિતિ દરમિયાન 9 મીટર જોવા મળી હતી પરંતુ હવે વરસાદે વિરામ લેતા 8.45 મીટર ખાડીની સપાટી પહોંચી છે. ત્યારે પાણી ઓસરતા હોવાના કારણે તંત્ર દ્વારા પણ હવે કામગીરી તેજ કરવામાં આવી છે.

 

મહત્વની વાત છે કે ખાડીના પાણીની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો પણ વિસ્તારમાં તણાઈ આવ્યો છે અને આ કચરાના કારણે પણ ડ્રેનેજ લાઈનો ચોકઅપ થાય છે. ડ્રેનેજમાં ખૂબ જ મોટી માત્રામાં પ્લાસ્ટિક અને પેપરનો કચરો ઘૂસી જવાના કારણે આ ડ્રેનેજ લાઈન બંધ થઈ હોવાથી પ્રાથમિક તબક્કે ડ્રેનેજ લાઈનની સાફ-સફાઈ સુરત મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી કરીને પાણી નિકાલની કામગીરી વધુ તેજ કરી શકાય.

સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલ ત્રણ વોટર પંપ દ્વારા મીઠી ખાડીની આસપાસના વિસ્તારમાં ભરાયેલું પાણી ખાડીની અંદર ઉલેચવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાણીના નિકાલ બાદ સૌપ્રથમ આ વિસ્તારની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે કરીને રોગચાળો ન વકરે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત છે કે છેલ્લા પાંચ દિવસથી જે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ખડે પગે રહીને કામગીરી કરવામાં આવી રહી છે.