December 23, 2024

કેશોદના ઘેડ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી જળબંબાકારની સ્થિતિ

જૂનાગઢ: જૂનાગઢ અને તેની આસપાસના ગામોમાં મઘરાજા સતત વરસી રહ્યા છે. જેના કારણે કેશોદના ઘેડ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી જળબંબાકારની સ્થિતિ યથાવત છે. ઉપરવાસના વરસાદના પાણી ઘેડ પંથકમાં ગામોમાં ભરાયા છે. પાણી ભરાતા ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણાં છે.

જૂનાગઢ પંથકમાં ઓજત, ઉબેણ, સાબલી, મધુવંતી નદીના પાણી ફરી વળતા કેટલાક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ત્યાં જ ગામોને જોડતા રોડ પણ પાણીમાં ગરકાવ થયા છે.

અઠવાડીયાથી પાણીમાં ગરકાવ ગામડાના લોકો પાસે હવે જીવન જરૂરી ચીજવસ્તુઓનો જથ્થો ખુટી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, કેશોદનું અખોદર ગામ એક અઠવાડિયાથી પાણીમાં ગરકાવ છે. અહીં રહેતા ઘણા પરિવારો આ આકાશી આફતના કારણે મોટી મુશ્કેલીમાં મૂકાયા છે.

જોકે આ વરસાદી આફતમાં પણ કેટલાક સેવાભાવી લોકો પાણીમાં ગરકાવ થઈ ગયેલા લોકોની મદદે આવ્યા છે. સેવા કરવાના હેતુથી ખેડૂતો જીવના જોખમે પાણીના પ્રવાહમાં પસાર થવા મજબુર હન્યા છે.

ત્યાં જ અહીં રહેતા લોકો છકડો રીક્ષાને ધક્કા લગાવીને પણ અવરજવર કરી રહ્યાં છે. અને દૂધ, શાકભાજી અનાજ વગેરે ચીજવસ્તુઓ ગ્રામજનો સુધી પહોંચાડવા સરપંચ અને ઉપસરપંચ સરાહનીય કામગીરી કરી રહ્યા છે.