‘બીજું કઈક કોપી કરો’ના કટાક્ષ સાથે પી. ચિદમ્બરમે નાણામંત્રી સીતારમણ સમક્ષ કરી 5 માંગ
રાજ્યસભા: કોંગ્રેસ સાંસદ પી. ચિદમ્બરમે બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ રજૂ કર્યાના બીજા દિવસે રાજ્યસભામાં પોતાના ભાષણમાં સરકાર સમક્ષ પાંચ સવાલ કર્યા છે. તેમણે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સમક્ષ 400 રૂપિયા દૈનિક લઘુતમ વેતન આપવા અને MSP અથવા લઘુતમ સમર્થન મૂલ્ય માટે કાયદેસર ગેરંટી આપવા માટે અપીલ કરી છે.
કોંગ્રેસના સિનિયર નેતાએ પીએમ મોદી સરકારને માર્ચ સુધીની એજ્યુકેશન લોનની બાકીની રકમ માફ કરવા, વિવાદાસ્પદ અગ્નિવીર સૈન્ય ભરતી યોજનાને ખતમ કરવા અને જે રાજ્યો નથી ઇચ્છતા તેમના મેડિકલ કોર્સમાં એડમિશન માટે નીટ પરીક્ષા ખતમ કરવાની માંગ કરી. તેની સાથે સાથે તેમણે ભાજપ પર ‘કૃપા કરીને બીજું કઈક કોપી કરો’નો કટાક્ષ પણ કર્યો હતો.
‘ગૃહમાં નકલ કરવા પર પ્રતિબંધ નથી’
પી. ચિદમ્બરમે કહ્યું કે “જો તમે તે વિચારો સ્વીકારો છો તો મને તમારું (ભાજપ) સમર્થન કરવામાં ખૂબ ખુશી થશે. આ ગૃહમાં નકલ કરવા પર પ્રતિબંધ નથી. વાસ્તવમાં, નકલને પ્રોત્સાહન અને પુરસ્કાર આપવામાં આવે છે.” ચિદમ્બરમનું ભાષણ ચાર મુખ્ય મુદ્દાઓ પર આધારિત હતું, જેમાં પ્રથમ બેરોજગારી હતી. પૂર્વ નાણામંત્રીએ કહ્યું, “બેરોજગારી સૌથી મોટો પડકાર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીએ અનુમાન લગાવ્યું છે કે જૂન 2024માં અખિલ ભારતીય બેરોજગારી દર 9.2 ટકા રહેશે.”
રોજગાર લિંક્ડ સ્કીમ શરૂ કરવા પાછળ શું કારણ?
ચિદમ્બરમે વધુમાં કહ્યું, “હવે, પહેલા ઉત્પાદન-લિંક્ડ પ્રોત્સાહક યોજના (રોજગાર સર્જન માટે) હતી. જ્યારે તમે રોજગાર-લિંક્ડ યોજના શરૂ કરી તેની પાછળ ચોક્કસ કારણ હશે. મને શંકા છે કે આવું એટલા માટે થયું કારણ કે PLIએ આ પ્રકારની નોકરીઓનું સર્જન નથી કર્યું, જેવી તમે પેદા કરવા માંગો છો.’ પી. ચિદમ્બરમી નાણામંત્રી નિર્મલા સીતારમણને સવાલ કરતાં કહ્યું, “તો, શું નાણામંત્રી આ ગૃહને જણાવશે કે PLIનું શું પરિણામ આવ્યું? એકવાર અમને પરિણામ ખ્યાલ આવી જશે તો અમે આગળ જોઈ શકીશું કે અમે ELI પાસેથી શું અપેક્ષા રાખી શકીએ.”