સરકાર ચાંદીપુરા વાયરસને ગંભીરતાથી લે, તાત્કાલિક પગલાં ભરોઃ ગેનીબેન ઠાકોર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને બનાસકાંઠાના કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરે સરકારને તાત્કાલિક પગલાં ભરવા માટે વિનંતી કરી છે. આ સાથે જ વહેલી તકે વાયરસ વકરતો રોકાય તેવી કામગીરી કરવા માટે ભલામણ કરી છે.
ગેનીબેન ઠાકોરે આ મામલે જણાવ્યુ છે કે, ‘અત્યાર સુધીમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં 84 કેસ નોંધાયા છે.ચાંદીપુરા વાયરસથી 37 બાળકોએ જીવ ગુમાવ્યો છે. માટીની માખીમાંથી આ વાયરસ ફેલાય છે અને તેને પરિણામે આ વાયરસને ઘાતક કહેવાય છે. આ વાયરસમાંથી 100માંથી 15 દર્દીઓને બચાવી શકાય છે, એટલો ઘાતક વાયરસ છે.
તેઓ કહે છે કે, ગુજરાતમાં અમદાવાદ, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, ખેડા, વડોદરા, સુરત સહિતના મોટાભાગના જિલ્લાઓમાં આ વાયરસનું પ્રમાણ વધ્યું છે. એટલે કે આ વાયરસ દિન પ્રતિદિન ઘાતક બનતો જાય છે. ગુજરાતભરમાં કોરોનાની સ્થિતિ હતી અને તેનાથી જે ભય હતો તેના કરતાં પણ વધુ ભય આ વાયરસથી લોકોના મનમાં પ્રવેશી ગયો છે. કારણ કે આ વાયરસ બાળકોનો ભોગ લે છે અને એટલા માટે આ વાયરસને અતિ સંવેદનશીલ ગણી શકાય.
તેઓ વધુમાં કહે છે કે, ‘મારી કેન્દ્ર સરકાર અને પ્રધાનમંત્રીને ભલામણ છે કે ગુજરાતમાં ફેલાતા આ વાયરસને ગંભીરતાથી લેવામાં આવે અને તેને રોકવાના પગલાં એક ઝુંબેશ સ્વરૂપે તાત્કાલિક ભરવામાં આવે.’