November 23, 2024

કોણ છે ન્યૂઝીલેન્ડનો ‘શુભમન’? જેનું ભારતથી ખાસ કનેક્શન, U-19 વર્લ્ડ કપમાં કરી કમાલ

અંડર-19 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે જીત સાથે શરૂઆત કરી છે. નેપાળ સામેની આ પ્રથમ મેચમાં યુવા કિવી બેટ્સમેન સ્નેહિત રેડ્ડીએ કમાલ કરી હતી. તેના જ બળ પર ન્યુઝીલેન્ડે આ મેચ જીતી હતી. આ 17 વર્ષના બેટ્સમેને 125 બોલમાં 147 રનની શાનદાર ઇનિંગ રમીને બોલરોને હેરાન કરી દીધા હતા. તેની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. હવે સ્નેહિત રેડ્ડીએ ખુલાસો કર્યો છે કે તે ભારતીય સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને ફોલો કરે છે અને તેના શોટ્સની નકલ કરવાનો પ્રયાસ કરે છે.

સ્નેહિત રેડ્ડી માત્ર 17 વર્ષનો છે અને તેણે અંડર-19 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવી હતી. સ્નેહિતે મારેલા શોટ્સ જોઈને શુભમનની યાદ આવી ગઈ. આટલું જ નહીં સદી પૂરી કર્યા બાદ તેની સેલિબ્રેશનની સ્ટાઈલ પણ બિલકુલ ગિલ જેવી હતી. સ્નેહિતે હવે ખુલાસો કર્યો છે કે તે ભારતના યુવા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલની નકલ કરવાનો પ્રયાસ કરે છે અને તેની બેટિંગથી ખૂબ પ્રભાવિત પણ છે. ICC દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં તમે તેની રમવાની સ્ટાઈલ જોઈ શકો છો.

બફેલો પાર્કમાં તેની સદી પૂરી કર્યા પછી, સ્નેહિતે શુબમન ગિલનૈ અંદાજમાં તેનું હેલ્મેટ ઉતાર્યું અને દર્શકો તરફ હવામાં બેટ લહેરાવ્યા પછી, નમીને અભિવાદન કર્યું. તેણે ICC દ્વારા અપલોડ કરેલા એક વીડિયોમાં કહ્યું, ‘તે (શુભમન) મારા પ્રિય ખેલાડીઓમાંથી એક છે, તેનું બેટ જે રીતે બોલના સંપર્કમાં આવે છે તે મને ગમે છે. તેનો સમય અદ્ભુત છે અને મેં મારી બેટિંગમાં તેનું અનુકરણ કરવાનો પ્રયાસ કર્યો છે.

ભારત સાથે છે ખાસ કનેક્શન

તમને જણાવી દઈએ કે સ્નેહીત રેડ્ડી ભારતીય મૂળના છે. તેમનો જન્મ આંધ્રપ્રદેશના વિજયવાડામાં થયો હતો. જ્યારે તે એક વર્ષનો હતો ત્યારે તેના માતા-પિતા ન્યૂઝીલેન્ડ શિફ્ટ થઈ ગયા હતા. આ પછી સ્નેહિતનું ભણતર અને ઉછેર ત્યાં જ થયો. 17 વર્ષીય સ્નેહિતે મેચ બાદ કહ્યું, ‘ઓસ્કર જેક્સન સાથેની ભાગીદારી ઘણી સારી રહી. અમે સંજોગોનું મૂલ્યાંકન કરવા અને પોતાને એક તક આપવા માગતા હતા. 90 રન સુધી પહોંચ્યા પછી, હું ચોક્કસપણે થોડો નર્વસ હતો, પરંતુ સદી પૂરી કર્યા પછી, બધું સારું હતું. તમને જણાવી દઈએ કે સ્નેહિત અને જેક્સન વચ્ચે ચોથી વિકેટ માટે 157 રનની મોટી ભાગીદારી થઈ હતી. સ્નેહિતને તેના મેચ-વિનિંગ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.