January 8, 2025

બાંગ્લાદેશમાં ભારતીયોને લઈને એસ. જયશંકરે શું કહ્યું ? હિંસા વચ્ચે 778 વિદ્યાર્થીઓ પરત ફર્યા

Bangladesh:  બાંગ્લાદેશમાં દરેક જગ્યાએ હિંસા ફેલાયેલી છે. હિંસક અથડામણમાં ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. ત્યારે વિદેશ મંત્રાલય (MEA) એ શનિવારે જણાવ્યું હતું કે લગભગ 1,000 ભારતીય વિદ્યાર્થીઓ બાંગ્લાદેશથી વિવિધ સરહદો દ્વારા અથવા ફ્લાઇટ દ્વારા ભારત પરત ફર્યા છે. બાંગ્લાદેશમાં હિંસક અથડામણ ચાલુ છે જેમાં 90 થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે બાંગ્લાદેશમાં ભારતીય મિશન ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે. મંત્રાલયે કહ્યું, ‘અત્યાર સુધીમાં 778 ભારતીય વિદ્યાર્થીઓ વિવિધ સરહદો દ્વારા ભારત પરત ફર્યા છે. આ ઉપરાંત, લગભગ 200 વિદ્યાર્થીઓ ઢાકા અને ચિત્તાગોંગ એરપોર્ટ દ્વારા નિયમિત ફ્લાઇટ સેવાઓ દ્વારા ઘરે પરત ફર્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ભારતીય નાગરિકોની કુલ સંખ્યા આશરે 15,000 હોવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં જે વિરોધ અને હિંસા થઈ રહી છે તેનું કારણ સરકારી નોકરીઓમાં અનામતને લઈને છે. વિરોધીઓનું એક જૂથ ઈચ્છે છે કે 1971માં સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનારાઓના વંશજોને સરકારી નોકરીઓમાં આપવામાં આવેલ અનામત ચાલુ રાખવામાં આવે. જ્યારે અન્ય જૂથ આ અનામતનો અંત લાવવા માંગે છે.

આ પણ વાંચો: કર્ફ્યૂ… દેખો ત્યાં ઠારનો આદેશ, જાણો અનામતની આગમાં કેમ સળગે છે બાંગ્લાદેશ

જોકે, દેશમાં કડક કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સરકારે પોલીસને બદમાશોને ‘જોતાં જ ગોળી મારવા’ સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, સૈનિકોએ બાંગ્લાદેશની રાજધાની ઢાકાની નિર્જન શેરીઓમાં પેટ્રોલિંગ કર્યું હતું. સરકારે તમામ ઓફિસો અને સંસ્થાઓને બે દિવસ બંધ રાખવા સૂચના આપી છે. છેલ્લા એક સપ્તાહમાં ઓછામાં ઓછા 114 લોકોના મોત થયા છે. અગાઉ સત્તાવાળાઓએ યુનિવર્સિટીઓ અને કોલેજોને બંધ કરવાની સૂચના આપી હતી.