December 23, 2024

વેરાવળના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ, સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન

ગીર સોમનાથઃ વેરાવળના ગ્રામ્ય પંથકમાં ફરી શરૂ વરસાદ થયો છે. આજે સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે. ગઈકાલે બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. નાવદ્રા, ઇન્દ્રોય, સોનારીયા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે.

પોરબંદરના ઘેડ પંથકમાં પાણી જ પાણી
પોરબંદરઃ જિલ્લાના ઘેડ પંથકમાં ચારેકોર માત્ર પાણી જ પાણી દેખાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અતિભારે વરસાદને કારણે જળબંબાકાર થતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણી ભરાતા ગોસાથી ગરજ ગામ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાતા લોકોને અવરજવરમાં તફલીક પડી રહી છે. બે દિવસના ભારે વરસાદને લઈને વરસાદી પાણી વિસ્તારોમાં ઘુસ્યાં છે.

દ્વારકા શહેરમાં પાણી ભરાતા રહીશોમાં રોષ
દ્વારકા શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જૂની પાલિકા વિસ્તાર, ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ભદ્રકાળી મંદિરમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્રણ બત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા રહેતા વાહનચાલકો અટવાયા છે. શહેરમાં આવેલી અનેક રેસ્ટોરાં-હોટેલ, એટીએમ, બેંક, ટ્રાવેલ્સ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે.

કલ્યાણપુરમાં ફરી વરસાદ શરૂ
દ્વારકાના કલ્યાણપુર પંથકમાં ફરી વરસાદ શરુ થયો છે. કલ્યાણપુરના જામ ગઢકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ ચાલુ કરી છે. જામ ગઢકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદથી ખેડૂતોમાં ચિંતામાં મૂકાયાં છે. સતત પડતા વરસાદના પગલે મગફળી સહિતના પાકોને નુકસાનની ભીતી સેવાઈ રહી છે. દ્વારકાના કલ્પાણપુરના ભાટીયા ગામ પાસે બે દિવસ પહેલાં એક કાર તણાઈ ગઈ હતી. ત્યારે ચાલકનો સદ્નસીબે બચાવ થયો હતો. આજે પાણી ઓસરતા આ તણાયેલી કાર મળી આવી છે.