September 20, 2024

હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ, ગેરકાયદેસર ખનન મામલે EDની કાર્યવાહી

હરિયાણા: ગેરકાયદેસર ખનન મામલે EDની ટીમે મોટી કાર્યવાહી કરતાં હરિયાણાના સોનિપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની ધરપકડ કરી છે. પંવાર પર યમુનાનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ખનન કરવાનો આરોપ છે. ED સુરેન્દ્ર પંવારના રિમાન્ડ મેળવવા માટે અંબાલાની સ્પેશિયલ કોર્ટ લઈ ગઈ છે.

આ સમગ્ર મામલો યમુનાનગર વિસ્તારમાં સિન્ડીકેટ દ્વારા લગભગ 400-500 કરોડ રૂપિયાના ગેરકાયદેસર ખનનને લગતો છે. હરિયાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનન મામલે પંવાર અને અન્ય શખ્સો વિરુદ્ધ FIR દાખલ કરી હતી ત્યારબાદ ગત વર્ષે EDએ તપાસ પોતાના હાથમાં લીધી હતી.

આ વર્ષે જાન્યુઆરીમાં EDએ INLDના પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ, સુરેન્દ્ર પંવાર અને અન્ય સહયોગીઓના અહીંયા 20 જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. ED દ્વારા આ મામલે પહેલા જ દિલબાગ સિંહ અને કુલવિંદર સિંહની ધરપકડ કરી લેવામાં આવી છે.

ગેરકાયદેસર ખનનને લઈને દરોડા
વાસ્તવમાં EDએ આ વર્ષ જાન્યુઆરીમાં ફરીદબાદ, સોનિપત, યમુનાનગર, કરનાલ, ચંડીગઢ અને મોહાલીમાં 20 જેટલા સ્થળોએ દરોડા પાડયા હતા. આ દરોડા યમુનાનગર અને હરિયાણાની આસપાસના જિલ્લાઓમાં રેત, પથ્થર અને કાંકરાના મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનનને લઈને પાડવામાં આવ્યા હતા. આ ગેરકાયદેસર ખનનમાં કથિત રીતે પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહ અને ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને તેમના સહયોગીઓ સામેલ હતા.