January 18, 2025

જૂનાગઢ મનપા રાજ્યની સૌપ્રથમ પેપર લેસ મહાનગરપાલિકા બનશે

સાગર ઠાકર, જૂનાગઢ: જૂનાગઢ મહાનગરપાલિકા હવે પેપર લેસ બની રહી છે. મનપાના કમિશનર ડો. ઓમ પ્રકાશ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકા રાજ્યની સૌપ્રથમ પેપર લેસ મહાનગરપાલિકા બનવા તરફ જઈ રહી છે જેની કમિશનર કચેરીથી શરૂઆત થઈ ચૂકી છે અને તબક્કાવાર તમામ ફાઈલો પેપર લેસ બની જશે. જૂનાગઢ મનપામાં આવતી કોઈપણ અરજી કે રજૂઆત કમિશનર સુધી હવે હાર્ડ કોપીમાં નથી આવતી પરંતુ સોફ્ટ કોપીમાં આવે છે, રાજ્ય સરકારના ઈ સરકાર અંતર્ગત સરકારી કામકાજનું ડીજીટાઈજેશન થઈ રહ્યું છે. તેમાં મહાનગરપાલિકામાં સમગ્ર રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા પ્રથમ મહાનગરપાલિકા બની છે કે જેમાં તમામ અરજીઓ હવે ઈ સરકાર પર અપલોડ થઈ રહી છે.

સરકારી કામકાજમાં પારદર્શિતા આવે, સરકારી કામકાજમાં ઓછામાં ઓછા કાગળનો ઉપયોગ થાય, સમયનો બચાવ થાય તથા કર્મચારી અને અરજદારોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં ડીજીટાઈઝેશન એટલે કે પેપર લેસ કામગીરીને વેગવંતી કરવામાં આવી છે તે અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશ્નર ડો. ઓમ પ્રકાશ એ મનપામાં આવતી અરજીઓ ઈ સરકાર પર અપલોડ કરી મનપાની કામગીરીને ડીજીટલ બનાવી રાજ્યની સૌપ્રથમ પેપર લેસ મહાનગરપાલિકા બનાવવાનું શ્રેય હાંસલ કર્યું છે.

આ પણ વાંચો: 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાશે: અંબાલાલ

જૂનાગઢ મહાનગરપાલિકામાં અરજદારો દ્વારા આવતાં પત્રો, અરજીઓ, ફાઈલો વગેરે કાગળો કમિશ્નર સુધી હાર્ડ કોપીમાં આવતાં નથી, જો કોઈ અરજદાર ઓનલાઈન અરજી કરે છે તો મનપા માટે તે સુગમતા રહે છે પરંતુ જો અરજદાર હાર્ડ કોપીમાં અરજી કરે છે તો સંબંધિત કચેરી તે અરજીને સ્કેન કરીને તેને ઈ સરકાર પર અપલોડ કરી દે છે. જે સોફ્ટ કોપીમાં કમિશ્નર સુધી પહોંચે છે. તેવી જે રીતે તેના જવાબ પણ સોફ્ટ કોપીમાં કરવામાં આવે છે. જેમાં ડીજીટલ હસ્તાક્ષરનો ઉપયોગ કરવામા આવં છે. આમ અરજદારોની રજૂઆતો અથવા તો સરકારમાં કરવાની રજૂઆતો વગેરે તમામ ફાઈલો ઈ સરકાર પર અપલોડ કરી દેવામાં આવે છે જેનો નિકાલ પણ ઓનલાઈન કરવામાં આવે છે.

આ પેપર લેસ પદ્ધતિના માધ્યમથી કામકાજમાં પારદર્શિતા આવશે હાર્ડ કોપીમાં કરવામાં આવતી અરજીઓ લાંબા સમયે ખરાબ થઈ જવાની સંભાવના રહે છે, જ્યારે ડીજીટલ કોપી વર્ષો સુધી સાચવી શકાય છે, સરકારી કચેરીઓમાં ફાઈલો ખરાબ થવી, ગુમ થવી, તેની સાચવણ વગેરે ઝંઝટમાંથી પણ મુક્તિ મળે છે સાથે કાગળની બચત થાય છે એક રીતે ફાઈલના થોથાં સાચવવા માંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: પોલીસ કોન્સ્ટેબલથી લઈ કેન્દ્રીય મંત્રી બનવા સુધીની સી.આર. પાટીલની સફર

પેપર લેસ કામગીરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનું ઓનલાઈન સ્ટેટસ જાણી શકાય છે, અરજી કે ફાઈલ ક્યારે અપલોડ થઈ, તે અરજી ક્યા અધિકારી પાસે ક્યારે પહોંચી, તે અરજીનો નિકાલ થયો છે કે પેન્ડીંગ છે વગેરે તમામ માહિતી આંગળીના ટેરવે મેળવી શકાય છે તેથી અરજદાર તથા અધિકારી બંને માટે અનુકુળતા રહે છે.

જૂનાગઢ મનપામાં આવતી અરજીઓ, પત્રો, ફાઈલો, ટેન્ડરો સહીતની તમામ પ્રક્રિયા ઈ સરકાર પર અપલોડ કરવામાં આવી રહી છે, જે જૂની કે પેન્ડીંગ અરજીઓ અથવા ફાઈલો છે તેને પણ સ્કેન કરીને તેનું ડીજીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે જેથી પેન્ડીંગ કામોમાં શું પ્રગતિ થઈ, કેવી કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં શું ઘટે છે, ક્યા અધિકારી પાસે કેટલા સમય સુધી ફાઈલ પડી રહી જો ફાઈલમાં કોઈ જરૂરી વિગત બાકી છે તો તે શા માટે બાકી છે વગેરે બધી જ પ્રક્રિયામાં પારદર્શિતા આવવાથી કામને વેગ મળશે.