December 26, 2024

હથિયાર વેચતા બે આરોપીની ધરપકડ, બાતમીને આધારે રામોલ પોલીસની કાર્યવાહી

મિહિર સોની, અમદાવાદઃ શહેર પોલીસે હથિયારની હેરાફેરીનો પર્દાફાશ કરીને 2 આરોપીની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશથી હથિયાર લઈને રાજસ્થાન વેચાણ કરતા હતા. રાજસ્થાનના કુખ્યાત ગુનેગારોએ હથિયાર મગાવ્યા હોવાનો ખુલાસો થયો છે. રામોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રામોલ પોલીસને બાતમી મળી હતી કે, CTM એક્સપ્રેસ હાઇવે પર હથિયારોની હેરાફેરી થઈ રહી છે. તેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે આ બંને આરોપીઓ CTM પોઇન્ટ પર ઉભા હતા. પોલીસે શંકાસ્પદ બંને આરોપીની તપાસ કરતા તેમની બેગમાંથી હથિયારો મળી આવ્યા હતા. જેથી રામોલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આ મામલે પ્રયાગસિંગ જોધા અને અંસુમાન સિંગ દેવડાની ધરપકડ કરી તેમની પાસેથી 3 પિસ્તોલ અને 10 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલા આરોપીમાં પ્રયાગરાજ સિંઘ જોધા મુખ્ય સૂત્રધાર છે. તે હથિયારોની હેરાફેરી કરે છે અને મધ્યપ્રદેશથી સસ્તી કિંમતમાં હથિયારો ખરીદીને રાજસ્થાનમાં ઊંચા ભાવમાં વેચાણ કરે છે. જ્યારે અન્ય આરોપી અંશુમાન સિંઘ બસમાં મળ્યો હતો. ત્યારબાદ મિત્રતા થતા તેને હથિયારોની હેરાફેરી કરવામાં મદદગારી કરી હોવાથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપી પ્રયાગ સિંઘ મધ્યપ્રદેશથી વસંત સિંઘ નામના આરોપી પાસેથી 15 હજારમાં એક પિસ્તોલ ખરીદીને લાવ્યો હતો. રાજસ્થાનમાં 25 હજારમાં વેચાણ કરવાનો હતો. આ હથિયાર રાજસ્થાનના જેસલમેર કુખ્યાત વોન્ટેડ આરોપી અશોક બિશ્નોઈ અને ભવાની ચૌધરીને આપવાનો હતો. જેમાં બે હથિયાર ખરીદવા અશોક બિશ્નોઈએ 40 હજાર ઓનલાઈન ટ્રાન્જેક્શન કરીને પ્રયાગને મોકલ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે.

પકડાયેલા આરોપી પ્રયાગ સિંઘ જોધા વિરુદ્ધ રાજસ્થાનના ફલસૂન પોલીસ સ્ટેશનમાં, શહેરગઢ પોલીસ સ્ટેશનમાં અને ઓસીયા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ 3 ગુના નોંધાયા છે. એટલું જ નહીં, સુરતમાં ચોરીનો ગુનો પણ નોંધાયો છે. આ આરોપી પ્રયાગ સિંઘે કેટલી વખત હથિયારની હેરાફેરી કરી છે અને કોને કોને હથિયારનું વેચાણ કર્યું છે તે મુદ્દે વધુ પૂછપરછ શરૂ કરી છે.