January 6, 2025

નેશનલ હાઇવે-56 પહેલા વરસાદમાં ધોવાયો, ધરમપુરના સ્થાનિકોનો અનોખો વિરોધ

હેરાતસિંહ રાઠોડ, વલસાડઃ વાપીથી શામળાજી જતા નેશનલ હાઇવે-56 પર ધરમપુર નજીક પહેલાં જ વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો છે. ત્યારે એક વર્ષ જ થયો હોવાથી તંત્ર પર અનેક સવાલ ઉઠ્યા છે. રૂપિયા 22.5 કરોડના ખર્ચે બનેલા આ રસ્તા પર પહેલા જ વરસાદે એટલા ખાડાં કર્યા કે વાહનો ક્યાં ચલાવવા તે માટે વાહનચાલકો પણ અસમંજસમાં મુકાયા હતા.

વલસાડ જિલ્લામાં અનેકવાર રસ્તા ધોવાયા અને અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની પોલ ખુલી ગઈ છે. ત્યારે વધુ એક રસ્તો એટલે કે વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઇવે 56 ધરમપુર નજીક 10 કિલોમીટરનો અંતરનો આ હાઈવે પર મસમોટા ખાડા પડી જતા છેલ્લા બે દિવસમાં ત્રણથી ચાર જેટલા અકસ્માતો થયા છે. તેમાં બે લોકો ઇજાગ્રત થયા હતા. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ખાડા ન પૂરાતા ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

22.5 કરોડના બનેલા નેશનલ હાઇવે 56-ની કામગીરી પર ધરમપુરના સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને લઈને આ રસ્તામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો પણ કર્યા છે. ગઈકાલે આ જ રસ્તા ઉપર લોકોએ રસ્તા પર પડેલા ખાડામાં ભરાયેલા પાણીમાં અબીલ-કંકુ નાખી એની પૂજા કરી અને ત્યારબાદ વૃક્ષારોપણ કર્યું હતું. આ સાથે જ વહીવટી તંત્રના અધિકારીઓને એક ચેતવણી આપી કે, અત્યારે માત્ર આ ગાંધીજીના માર્ગે આંદોલન છે, જો આવનારા દિવસોમાં આ રસ્તાને ફરીથી રિપેર કરી બનાવવામાં ન આવે તો રસ્તા રોકો આંદોલન કરીશું.