Budget-2024: મિનિમમ વેતન રૂ. 25000 કરવા શ્રમ અને રોજગાર મંત્રાલયનો પ્રસ્તાવ
India Budget 2024: કેન્દ્ર સરકારે 22 જુલાઈથી બજેટ સત્રનું આયોજન કર્યું છે. તેના એક દિવસ બાદ એટલે કે 23 જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. જનતા મોદી 3.0ના આ પ્રથમ બજેટની રાહ જોઈ રહી છે. મધ્યમ વર્ગને લાગે છે કે નાણામંત્રી આ વર્ષે તેમને રાહત આપતા ઘણા નિર્ણયો લઈ શકે છે. જેમાં એક મિનિમમ પગારનો મુદ્દો છે. નિષ્ણાતોના અંદાજ મુજબ એક દાયકાની રાહ જોયા બાદ કર્મચારીઓને આ મોરચે કોઈ સારા સમાચાર મળી શકે છે. મિનિમમ વેતન 15 હજારથી વધારીને 25 હજાર રૂપિયા થઈ શકે છે.
હાલમાં મિનિમમ પગાર 15 હજાર રૂપિયા છે
હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી ભવિષ્ય નિધિ (Employees Provident Fund)માં યોગદાન આપવા માટે મિનિમમ પગાર (Minimum Wages) રૂ. 15,000 છે. બજેટ 2024માં તેને વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી શકે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. નાણામંત્રી 23 જુલાઈએ રજૂ થનારા બજેટમાં આની જાહેરાત કરીને વર્ષોથી ચાલી આવતી માંગને પૂરી કરી શકે છે.
દેશમાં 10 વર્ષથી લઘુત્તમ વેતનમાં વધારો થયો નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભા ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કર્યા બાદ સંકેત આપ્યો હતો કે તેઓ આગામી સરકાર પર મોટા નિર્ણયો લેવાની જવાબદારી છોડી રહ્યા છે. તેણીએ કહ્યું હતું કે તે વચગાળાના બજેટમાં મોટા નિર્ણયો લેવા માંગતી નથી. શ્રમ અને રોજગાર મંત્રાલય કર્મચારીઓના સામાજિક સુરક્ષા કવરેજને વધારવા માટે આ ફેરફાર કરવાના પક્ષમાં છે. દેશમાં 10 વર્ષથી લઘુત્તમ વેતનમાં વધારો થયો નથી જ્યારે આ વર્ષોમાં ફુગાવામાં તીવ્ર વધારો થયો છે. અગાઉ 1 સપ્ટેમ્બર 2014ના રોજ મિનિમમ પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. તે સમય સુધી મિનિમમ વેતન રૂ. 6,500 હતું, જે વધારીને રૂ. 15,000 કરવામાં આવ્યું હતું.
ESIC એ 2017માં જ મિનિમમ વેતનમાં વધારો કર્યો હતો
હાલમાં કેન્દ્રીય કર્મચારી ભવિષ્ય નિધિમાં મિનિમમ વેતન 15 હજાર રૂપિયા છે. જો કે, કર્મચારી રાજ્ય વીમા નિગમ (Employees State Insurance Corporation)માં મિનિમમ વેતન 21 હજાર રૂપિયા છે. ESIC એ વર્ષ 2017માં જ મિનિમમ વેતનમાં વધારો કર્યો હતો. EPF ખાતામાં કર્મચારી અને એમ્પ્લોયર બંને મળીને બેઝિક સેલરી અને મોંઘવારી ભથ્થાના 12-12 ટકા યોગદાન આપે છે. આમાં, કર્મચારીઓનું સંપૂર્ણ યોગદાન EPFO ખાતામાં જમા થાય છે અને એમ્પ્લોયરનું 8.33 ટકા યોગદાન કર્મચારી પેન્શન યોજનામાં જાય છે અને 3.67 ટકા યોગદાન પીએફ ખાતામાં જાય છે.