December 19, 2024

મહેસાણામાં શોભા યાત્રા પર પથ્થરમારો, 15 લોકોની ધરપકડ

સમગ્ર દેશમાં રામ મંદિરને લઈને ઉત્સાહ છે. દેશભરમાં મોટાભાગના રાજ્યોમાં શોભા યાત્રા અને કલશ યાત્રાઓ કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરેલુ ખાતે નિકળેલી રામ યાત્રા પર અસામાજિકતત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પોલીસની જાણકારી અનુસાર આ કેસમાં 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના ગુજરાતના મહેસાણા જિલ્લામાં બની હતી.

પોલીસ અઘિકારી વીરેન્દ્ર સિંહ યાદવે જણાવ્યું કે આ ઘટના ખેરાલુ શહેરમાં બની હતી. તેમણે જણાવ્યું કે પથ્થરમારો થતાં જ શોભા યાત્રામાં સાથે આવેલા પોલીસકર્મીઓએ તરત જ કાર્યવાહી કરી હતી. ટીયર ગેસના ત્રણ રાઉન્ડ શેલ છોડવામાં આવ્યા હતા. ઘટના બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે પથ્થરમારામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. હાલમાં આ સ્થિતિ નિયંત્રણમાં છે અને શાંતિ જળવાઈ રહી છે. જોકે આ ઘટના બાદ શોભા યાત્રાના રૂટ પર પોલીસ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું હતું.

ગ્વાલિયરમાં રામ મંદિરનું પોસ્ટર ફાડી નાખવામાં આવ્યું
પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાં શોભાયાત્રાઓ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મધ્યપ્રદેશમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રામ મંદિરની તસવીર ધરાવતું પોસ્ટર ફાડી નાખ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને અપલોડ કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ શુક્રવારે આ માહિતી આપી હતી. ગ્વાલિયરના પોલીસ અધિકારીએ કહ્યું કે 16 જાન્યુઆરીએ હિંદુ સેનાના અધિકારીની ફરિયાદ પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અન્ય ગુનાઓ બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી. “તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 505(2) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

અસામાજિકતત્વો દ્વારા માહોલ બગાડવાનો પ્રયાસ
અયોધ્યામાં સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ સંદર્ભે દેશના ખૂણે ખૂણે શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આવા અનેક સમાચારો પણ આવી રહ્યા છે જેમાં અસામાજિકતત્વો દ્વારા આ શુભ અવસર પર માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.