September 21, 2024

મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે ચર્ચા ચાલુ, નિર્ણય ન થાય ત્યાં સુધી આ ફી રહેશેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મિટિંગમાં થયેલી ચર્ચા બાબતે માહિતી આપી હતી. તેમણે મેડિકલ ક્ષેત્રે કરવામાં આવેલા વધારા અંગે પણ જણાવ્યુ હતું.

તેમણે આ મામલે કહ્યુ હતુ કે, ‘મેડિકલ ફી વધારા મુદ્દે રજૂઆત મળી છે. આ અંગે આગામી સપ્તાહમાં ચર્ચા કરીને પછી નિર્ણય કરીશું. જ્યાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી ફી વધારો ચાલુ છે. સરકાર આ મુદે હાલ ચર્ચા કરી રહી છે. મેડિકલ કોલેજ, સોસાયટી હેઠળ બનેલી કોલેજમાં ફી નક્કી થાય છે. હાલ જે ફી છે તે જ ચાલુ રાખવામાં આવશે. પરંતુ સરકાર હાલ સરકાર ચર્ચા કરી રહી છે અને એડમિશન પ્રકિયા પણ ચાલુ છે.’

વાવણીલાયક વરસાદ થયોઃ પટેલ
તેમણે વરસાદ અંગે વાત કરતા જણાવ્યુ હતુ કે, ‘રાજ્યમાં વરસાદ સારો થયો છે. વાવણીલાયક વરસાદ વરસ્યો છે. તો ક્યાંક અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. અત્યાર સુધીમાં કુલ 237 મિલિમિટર વરસાદ પડ્યો છે. તેની સમીક્ષા પણ કરવામાં આવી છે. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 47.04 હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે. ખરીફ પાકમાં સૌથી સારું વાવેતર કરવામાં આવ્યું છે.’