December 26, 2024

દ્વારકાના દરિયામાં કરંટ, ગોમતી ઘાટે 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

દ્વારકાઃ ચોમાસું બરાબર જામી ગયું છે. ત્યારે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દરિયામાં આ સમય દરમિયાન કરંટ જોવા મળતો હોય છે. ત્યારે ચેતવણીના ભાગરૂપે દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે દ્વારકાના ગોમતી ઘાટ પર મોટા મોજા ઉછળ્યા છે. ગોમતી ઘાટ પર 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉઠળ્યા છે. અરબી સમુદ્રમાં કરંટ દેખાતા મોટા મોટા મોજા ઉછળી રહ્યા છે. ત્યારે સહેલાણીઓ તેની મજા માણી રહ્યા છે.

અનેક જિલ્લામાં યલો એલર્ટ
મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, છોટા ઉદપેુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં 5 ઇંચ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં 58 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં અને જૂનાગઢના વથલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠાના ભાભરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.